રેખા પાત્રાએ કહ્યું કે તેઓ સંદેશખાલીની પુત્રી છે, ભાજપે તેમને ટિકિટ આપી છે તેનાથી મહિલાઓ ખૂબ જ ખુશ છે. અમને મહિલાઓનો પૂરો સાથ મળશે તેમની અમને આશા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બસીરહાટથી ભાજપના ઉમેદવાર અને સંદેશખાલી પીડિતોમાંથી એક રેખા પાત્રા સાથે વાત કરી હતી. સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ રેખા પાત્રા સાથે તેના પ્રચારની તૈયારીઓ, લોકોમાં ભાજપ પ્રત્યે સમર્થન અને અન્ય મુદ્દાઓ પર વાત કરી. પીએમ નરેન્દ્ર મોદીએ રેખા પાત્રાને ‘શક્તિ સ્વરૂપા’ ગણાવી હતી. રેખા પાત્રાએ પ્રધાનમંત્રીને સંદેશખાલીમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ વિશે જાણકારી આપી હતી.
પીએમ મોદી અને રેખા પાત્રા વચ્ચે શું વાતચીત થઇ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેખા પાત્રાને પૂછ્યું કે ભાજપના ઉમેદવાર જાહેર થવા પર તમને કેવું લાગે છે? આ સવાલના જવાબમાં રેખા પાત્રાએ કહ્યું કે બહુ સારું લાગે છે, તમારો હાથ મારા માથા પર છે. મારી સંદેશાખાલીની માતા અને બહેનોના માથા પર તમારો હાથ છે, તમે અમારા માટે ભગવાન જેવા છો, એવું લાગે છે કે રામજી અમારી સાથે છે અને રામજીનો હાથ અમારા માથા પર છે.
જેના જવાબમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા માથા પર બહેનો અને માતાનો હાથ છે. રેખાજી, મને તમારો સંદેશો મળ્યો હતો, હું ભાજપના કાર્યકરો સાથે વાત કરતા રહેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. હું જાણું છું કે તમે બંગાળમાં પ્રતિકૂળ રાજકીય પરિસ્થિતિઓમાં પ્રચાર કરી રહ્યા છો. જ્યારે તમારું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે માહોલ કેવો હતો? લોકોને કેવું લાગ્યું, તમને શું પ્રતિક્રિયાઓ મળી, હું આખું ચિત્ર સમજવા માગું છું.
રેખા પાત્રાએ કહ્યું કે અમારી સાથે જે દુર્ઘટના ઘટી, માત્ર સંદેશખાલી જ નહીં, બસીરહાટ લોકસભાની મહિલાઓ બધી એક સમાન છે. અમે ઇચ્છીએ છીએ કે આરોપીને સજા મળે. ૨૦૧૧ થી અમે ચૂંટણીમાં મત આપી શક્યા નથી, અમે મત આપવા માટે સક્ષમ બનવા માંગીએ છીએ. જો અમે વોટ આપી શકીશું તો સંદેશખાલીની મહિલાઓ ખૂબ જ ખુશ થશે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – તમે લોકો વોટ ન કરી શક્યા તે દુ:ખદ છે
પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે, તમારો મામલો ચૂંટણી પંચ સુધી જરૂર પહોંચશે અને ચૂંટણી પંચ તમામ મતદારો માટે મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા કરશે અને ચૂંટણી પંચ હંમેશા નિષ્પક્ષ મતદાનની વ્યવસ્થા કરે છે. અમે એ પણ આશા રાખીએ છીએ કે ચૂંટણી પંચ તમારી પીડાને સમજે કે તમે ૨૦૧૧ પછી મત આપ્યો નથી તે ખૂબ જ દુ:ખદ બાબત છે.
રેખા પાત્રાએ પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું કે ટીએમસીના કેટલાક નેતાઓને છોડીને બધા ભાજપ દ્વારા તેમને ઉમેદવાર જાહેર કરવાથી ખુશ છે. તેમણે કહ્યું કે ટીએમસી નેતાઓએ તેમની પાર્ટીના ઇશારે આ કર્યું છે, તેઓ તેમના કાર્યો માટે માફી માંગી રહ્યા છે. તેમની સાથે અમારી કોઈ દુશ્મની નથી, અમે બધા માટે લડીશું. અમે તેમના માટે પણ લડીશું, અમે સન્માન પરત આપવાનો પૂરો પ્રયાસ કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ સંદેશખાલીની પુત્રી છે, ભાજપે તેમને ટિકિટ આપી છે તેનાથી મહિલાઓ ખૂબ જ ખુશ છે. રેખા પાત્રાએ પીએમને કહ્યું કે અમને મહિલાઓનો પૂરો સાથ મળશે તેમની અમને આશા છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે તેમના પતિ તમિલનાડુમાં કામ કરે છે અને તેમનો પરિવાર ખૂબ ગરીબ છે. આવી સ્થિતિમાં તે સાંસદ ચૂંટાય ત્યારે એવા કામ કરવા માંગે છે જેથી વિસ્તારના લોકોને રોજગાર માટે બહાર ન જવું પડે.