ગોવિંદા ૨૦૦૪ માં મુંબઇ નોર્થ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ગોવિંદાએ ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની ચૂંટણીની જાહેરતા થયા પછી ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ ચૂંટણીના મેદાનમાં કૂદી પડ્યા છે. હવે બોલિવૂડ એક્ટર ગોવિંદા પણ રાજકારણમાં પોતાની બીજી ઇનિંગ શરુ કરશે. ગોવિંદા ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના ગોવિંદાને ચૂંટણીમાં ઉતારી શકે છે. એકનાથ શિંદેની પાર્ટી શિવસેના ગોવિંદાને મુંબઈ નોર્થ લોકસભા સીટથી ચૂંટણી લડાવી શકે છે. આ સીટ પરથી ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી અમોલ કિર્તીકરને ઉમેદવાર બનાવ્યા છે.
ગોવિંદા ૧૪ વર્ષ બાદ ફરી રાજકારણમાં
આ પ્રસંગે ગોવિંદાએ કહ્યું કે એકનાથ શિંદે જી નો આભાર, આજે શિવસેનામાં જોડાવાનો અર્થ ભગવાનની મળેલી પ્રેરણા છે. તેમણે કહ્યું કે તેઓ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. હવે ચૌદ વર્ષના વનવાસ પછી હું શિવસેનામાં જોડાયો છું. પાર્ટી જે પણ કામ આપશે તે કરશે. ગોવિંદાએ કહ્યું કે મુંબઈ હવે સુંદર અને વિકસિત દેખાઈ રહ્યું છે. અહીં વિકાસના કામો થઈ રહ્યા છે.
ગોવિંદાએ પોતાના સંબોધનમાં પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીમાં એક સકારાત્મકતા દેખાય છે. તેમણે દેશને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. સીએમ શિંદેએ કહ્યું કે ગોવિંદાએ પાર્ટીમાં સામેલ થવા માટે કોઈ શરત રાખી નથી. ગોવિંદા સ્ટાર પ્રચારક હશે.
ગોવિંદા ૨૦૦૪ માં મુંબઇ નોર્થ લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા
ગોવિંદા વર્ષ ૨૦૦૪ માં મુંબઇ નોર્થ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ગોવિંદાએ ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. રામ નાઈક વાજપેયી સરકારમાં મંત્રી હતા અને તેમની ગણતરી ભાજપના મોટા નેતાઓમાં થતી હતી. તે ચૂંટણીમાં ગોવિંદાને ૫,૫૯,૭૬૩ મત મળ્યા હતા જ્યારે રામ નાઇકને ૫,૧૧,૪૯૨ મતોથી સંતોષ માનવો પડ્યો હતો. ૨૦૦૯ ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ સીટ પરથી સંજય નિરૂપમને મેદાનમાં ઉતાર્યા હતા.