આરબીઆઈ એ ૧૯ મે ૨૦૨૩ના રોજ ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદથી અત્યાર સુધી ૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ૨૦૦૦ રૂપિયાની ૯૭.૬૨ % નોટ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી છે.

આરબીઆઈ તરફથી ૨૦૦૦ રૂપિયાની નોટને લઇને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના જણાવ્યા અનુસાર ૧ એપ્રિલના રોજ યર એન્ડ ક્લોઝિંગ હોવાને કારણે ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવામાં આવશે નહીં. આરબીઆઈની તમામ ૧૯ ઓફિસોમાં આ ચલણી નોટ બદલવાની સેવા બંધ રહેશે.
આરબીઆઈ એ એક રિલિઝમાં જણાવ્યું છે કે, આ સેવા ૨ એપ્રિલથી ફરી શરૂ થશે. અને જેમની પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટ છે તેઓ આરબીઆઈની ઓફિસમાં જમા કરાવી શકશે કે બદલાવી શકે છે.
૨૦૦૦ની નોટ આરબીઆઈ ની આ ઓફિસમાં એક્સચેન્જ કરવાની તક
તમને જણાવી દઇયે કે, આરબીઆઈની ૧૯ ઓફિસમાં ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં ૨,૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવી શકાય છે અથવા બદલી શકાય છે.
૨૦૦૦ રૂપિયની ૯૭.૬૨ % નોટ પરત આવી
નોંધનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૩ થી આરબીઆઇ કોઇ વ્યક્તિ/સંસ્થા પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારી રહી છે. ૧ માર્ચ, ૨૦૨૪ના રોજ, મધ્યસ્થ બેંકે માહિતી આપી હતી કે ૧૯ મે, ૨૦૨૩ બાદથી ચલણમાં રહેલી ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની ૯૭.૬૨ % નોટ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી છે.

તમને જણાવી દઈએ કે ૧૯ મે ૨૦૨૩ના રોજ આરબીઆઈ એ ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની ઘોષણા કરી હતી. અને કહ્યું હતું કે આ નોટને બેંકોમાં જમા કરાવવી જોઇએ અથવા અન્ય મૂલ્યની નોટમાં બદલવી જોઇએ.
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૯ મે, ૨૦૨૩ના રોજ ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની કુલ ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટ ચલણમાં હતી. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ આ પ્રમાણ ઘટીને ૮૪૭૦ કરોડ રૂપિયા થયુ હતુ.