રૂપાલા વિવાદ ગુજરાતથી અન્ય રાજ્યો સુધી ફેલાયો.
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુધ્ધ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુ ને વધુ ઘેરો બન્યો છે. ગોંડલમાં ક્ષત્રિય સંમેલનમાં રુપાલાએ બે હાથ જોડીને મૂફી માફી માંગી હોવા છતાંય મામલો હજુય થાળે પડ્યો નથી. આ તરફ, રુપાલાની ટિપ્પણીનો વિવાદની આગ ધીરે ધીરે દેશભરમાં પ્રસરી છે. એટલુ જ નહીં, રાજપૂત બોયકોટ બીજેપી થકી સોશિયલ મિડીયામાં જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજપૂત બોયકોટ બીજેપી ટોપમાં દેશભરમાં ટોપમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ કારણોસર ગુજરાત ભાજપના નેતાઓની ચિંતા વધી છે તેનુ કારણ એ છે કે, ડેમેજકંટ્રોલ છતાંય એ વિવાદ વધુ વકરી રહ્યો છે.
એક સમુદાયને રાજી કરવાની લ્હાયમાં કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રુપાલાએ ટિપ્પણી કરીને ક્ષત્રિયોને નારાજ કર્યા છે. હવે આ પ્રકરણમાં ક્ષત્રિયોમાં ય બે ફાંટા પડયા છે. ભાજપ તરફી એક જૂથ રૂપાલાને બચાવવા મેદાને પડયુ છે તો બીજી તરફ, બીજુ જૂથ કોઈપણ ભોગે રુપાલાની ટિકિટ રદ કરાવવાની જીદે ચડયુ છે. ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
આ વિવાદની આગ ઠારવામાં ભાજપના પ્રદેશ નેતાઓ, ક્ષત્રિય આગેવાનો ય સદંતર નિષ્ફળ નિવડ્યા છે. આ ઉપરાંત આ વિવાદમાં હવે કરણી સેનાએ ઝુકાવ્યુ છે પરિણામે વિરોધની આગ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પહોચી છે. સોશિયલ મિડીયામાં ભાજપ સામે પુરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. દિવસભેર રાજપૂત બોયકોટ બીજેપી એ ટોપ ટ્રેન્ડિંગમાં છવાયેલુ રહ્યું હતું. ભાજપના નેતા પુરુષોતમ રુપાલા જ નહીં, ભાજપ સામે કોમેન્ટોનો મારો ચાલ્યો છે.
મામલો વધુને વધુ ગંભીર બન્યો છે ત્યારે આખુય પ્રકરણ દિલ્હી દરબારમાં પહોચ્યુ છે. ખુદ પીએમઓ સ્થિતી પર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. ભાજપ હાઈકમાન્ડને એ વાતનો ડર પેઠો છેકે, જો આ વિવાદ વધુ વકરશે તો ગુજરાતમાં જ નહીં. અન્ય રાજ્યોમાં ક્ષત્રિય મતદારો ભાજપને નુકશાન પહોંચાડી શકે છે. આ ડરને જોતાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. અત્યારે તો સોશિયલ મિડીયામાં રુપાલાનો વિવાદ છવાયો છે. હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ આખાય વિવાદનો કેવી રીતે અંત લાવે છે.
રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં નો-એન્ટ્રી
રુપાલાની ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે ત્યારે હવે સૌરાષ્ટ્રના ગામડાઓમાં એવા પોસ્ટર લાગ્યાં છે કે, જયાં સુધી પુરુષોત્તમ રુપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહી. ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જોકે, હજુ ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે અત્યારથી ભાજપ વિરુધ્ધ માહોલ જામ્યો છે ત્ય અને ગામડાઓમાં પોસ્ટર લાગતાં ભાજપના સ્થાનિક નેતાઓ મૂંઝાયા છે. મોટાભાગના ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં ગામડાઓમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.