
બાળપણથી જ લાગ્યો રંગનો રંગ
ભાવનગરમાં જન્મેલા રવિશંકર રાવળને બાળપણથી ચિત્રકામમાં રસ હતો. ભાવનગરની ઍંગ્લો વર્નાક્યુલર શાળાના ચિત્રશિક્ષક ભગવાનલાલના ચિત્રવર્ગોમાં તેઓ જતા હતા. તે વખતે પોતાની ચોટલીના વાળમાંથી પીંછી બનાવીને તે ચિત્રો કરતા હતા. શરૂઆત તેમણે રાજા રવિવર્માનાં ચિત્રો પર ચોખંડાં પાડીને, ચોખંડાંના આધારે મૂળ ચિત્રની મોટા કદની નકલ બનાવવાથી કરી. પરંતુ એક જાણકારે તેમને ટોક્યા, એટલે એ રીતે દોરવાનું બંધ કરીને, મુક્ત રીતે ચિત્રો દોરવાનું શરૂ કર્યું. જાપાનના વિદ્યાર્થીઓની ટેવ વિશે સાંભળ્યા પછી તેમણે પણ ખિસ્સામાં નાની સ્કેચબુક અને પેન્સિલ રાખવાનું શરૂ કર્યું.
મૅટ્રિક પાસ થયા પછી રવિશંકર રાવળ ભાવનગરની શામળદાસ કૉલેજના પહેલા વર્ષમાં દાખલ થયા. ત્યાં કૉલેજની રજતજયંતીના ભાગ રૂપે ભજવાનારા નાટકના પરદા તેમણે ચીતર્યા. તે જોઈને પ્રભાવિત થયેલા કૉલેજના આચાર્યે ટકોર કરી કે કૉલેજમાં સમય બગાડવાને બદલે તેમણે કોઈ આર્ટ સ્કૂલમાં અભ્યાસ કરવો જોઈએ. તેથી, મન કઠણ કરીને, મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં અભ્યાસના નિર્ધાર સાથે, તેમણે પિતા મહાશંકરને પત્ર લખ્યો. તેમાં એમ પણ લખ્યું,’…આપ આશીર્વાદ સાથે સંમતિ આપો તેની રાહ જોતો હું ઉપવાસ કરી રહ્યો છું. આપનો સંમતિપત્ર આવશે ત્યારે જ જમીશ.’
પત્રમાં તેમણે મુંબઈમાં જે કંઈ દુઃખ પડે તે સહન કરવાની તૈયારી દર્શાવી હતી અને પરિવાર પર વધારાનો આર્થિક બોજ નહીં પડવા દેવાની ખાતરી આપી હતી. પિતા તેમને ઍન્જિનિયર બનાવવા ઇચ્છતા હતા, પણ પત્ર મળ્યા પછી તેમની પાસે સંમતિ આપવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો.
ઉત્તમ વિદ્યાર્થી, ‘વીસમી સદી’ના ચિત્રકાર

રવિશંકર રાવળ ૧૯૧૦ માં મુંબઈ પહોંચ્યા ત્યાં આકરો સંઘર્ષ તેમની રાહ જોતો હતો. ટ્રામના પૈસા બચાવવા પગે ચાલીને, જેવુંતેવું ખાઈને, ટ્યુશન કરીને અને કોઈ વેપારીની પેઢી પર રાતવાસો કરીને તેમણે અભ્યાસમાં ધ્યાન પરોવ્યું અને શિક્ષકોના પ્રિય બની રહ્યા. મુંબઈ જતાં પહેલાં તેમનું સઘળું ધ્યાન ફક્ત ચિત્રકલા તરફ હતું. મુંબઈમાં (આગળ જતાં ગાંધીજીના નિકટના સાથી બનેલા) તેમના પાડોશી મહાદેવભાઈ દેસાઈ અને સ્વામી આનંદ જેવાના પરિચયે તે દેશદુનિયાના અન્ય પ્રવાહોથી વાકેફ થયા અને કળાનો સંસ્કૃતિ-અસ્મિતા સાથેનો નાતો જોવા-સમજવાનું શરૂ થયું.
એક જ ચિત્રમાં ગુજરાતના વિવિધ પ્રદેશોના લોકોનાં ચહેરા અને પાઘડીઓ-ટોપીઓનું તેમણે કરેલું આલેખન ‘ગરવી ગુજરાત’ તેમના અન્ય એક ચિત્ર સાથે ૧૯૧૫ માં સુરતમાં ભરાયેલી સાહિત્ય પરિષદમાં પ્રદર્શિત થયું. ગુજરાતની અસ્મિતાનું ચિંતન કરતા રણજિતરામ મહેતાએ તે ચિત્રથી પ્રભાવિત થઈને રવિશંકર રાવળનો પરિચય મુંબઈના હાજી મહંમદ અલ્લારખિયા શિવજી સાથે કરાવ્યો. હાજી ત્યારે ‘વીસમી સદી’ માસિક કાઢવાની તૈયારી કરતા હતા.
કલારસિક હાજીએ યુવાન રવિશંકરની શક્તિ પારખીને બીજા નામી મરાઠી ચિત્રકારો સાથે તેમને પણ ‘વીસમી સદી’માં મોકળું મેદાન આપ્યું. હાજીની ગુણગ્રાહી-પારખુ અને ઉદાર સોબતમાં રવિશંકર રાવળ ખીલી ઊઠ્યા. કલાના અભ્યાસમાં પાંચ વર્ષના અંતે તે પ્રથમ વર્ગમાં પાસ થયા એટલું જ નહીં, કૉલેજમાં સુવર્ણ ચંદ્રક મેળવનારા પહેલા ગુજરાતી બન્યા. બીજા વર્ષે ૧૯૧૭ માં ‘બૉમ્બે આર્ટ સોસાયટી’ના કલાપ્રદર્શનમાં પાશ્ચાત્ય શૈલીને ચિત્રોને બદલે, રવિશંકર રાવળના નીતાંત ભારતીય શૈલીના ચિત્ર ‘બિલ્વમંગળ’ને સુવર્ણ ચંદ્રક મળ્યો. તેનાથી કલાવર્તુળોમાં ખળભળાટ મચ્યો અને રવિશંકર રાવળનું નામ ચર્ચાનો વિષય બન્યું.
સ્વતંત્ર ચિત્રકાર તરીકેની કારકિર્દી

મુંબઈમાં હાજીના સાથ અને ચિત્રકાર તરીકેની નામનાથી રવિશંકર રાવળે પૂરા સમય માટે ચિત્રકાર બનવાનું નક્કી કર્યું. લગ્ન તો મૅટ્રિકમાં હતા ત્યારે જ થઈ ચૂક્યાં હતાં. એટલે પરિવારને મુંબઈ બોલાવી લીધો. તે અરસામાં જૂનાગઢ કૉલેજના નિવૃત્ત થઈ રહેલા અંગ્રેજ આચાર્ય સ્કૉટની પૂરા કદની તસવીર બનાવવાનું કામ રવિભાઈને મળ્યું. તેના માટે રૂ.૧૨૦૦નું અધધ કહેવાય એવું મહેનતાણું નક્કી થયું. તેનાથી સ્વતંત્ર ચિત્રકાર તરીકેની તેમની કારકિર્દીને મોટો આધાર મળ્યો.
ચિત્ર બનાવવા માટે જૂનાગઢ અવરજવર શરૂ થઈ. તે અરસામાં ચિત્રકાર રવિશંકર પંડિતના આગ્રહથી તે ગોંડલ ગયા. ત્યાં તેમને ‘ધૂમકેતુ’ તથા દેશળજી પરમાર જેવા લેખકો ઉપરાંત ભવિષ્યમાં તેમના જોડીદાર બની રહેનારા બચુભાઈ રાવતનો પરિચય થયો. બચુભાઈ ત્યારે ‘જ્ઞાનાંજલિ’ નામે હસ્તલિખિત સામયિક પ્રગટ કરતા હતા
‘જ્ઞાનાંજલિ’ જેવાં ઘણાં સામયિકો માટે આદર્શ અને પ્રેરણારૂપ ‘વીસમી સદી’માં રવિશંકર રાવળ બીજાં ચિત્રો ઉપરાંત કનૈયાલાલ મુનશીની નવલકથા માટે પણ ચિત્રો બનાવતા હતા. મુંજાલ, કાક, મંજરી, કીર્તિદેવ જેવાં શબ્દો વડે આલેખાયેલાં પાત્રોને ચિત્ર દ્વારા ચહેરો અને વ્યક્તિત્વ આપવાનો પડકાર રવિભાઈએ સફળતાપૂર્વક ઉપાડી બતાવ્યો. પરિણામે, મુનશીની ષષ્ઠિપૂર્તિ ઉજવાઈ ત્યારે ‘ગુજરાત સાહિત્ય સભા’એ મુનશી દ્વારા આલેખિત પાત્રોનાં રવિભાઈએ બનાવેલાં ચિત્રોમાંથી ૩૨ રંગીન ચિત્રોનો એક પોર્ટફૉલિયો છપાવ્યો. રૂ. ૨૫ કિંમત ધરાવતો એ સંગ્રહ ‘સભા’ના આજીવન સભ્યોને ભેટ તરીકે આપવામાં આવ્યો હતો.
અમદાવાદમાં કલાની સરવાણી અને ‘કુમાર’

મુંબઈની ભેજવાળી હવા માફક ન આવતાં રવિશંકર રાવળ ૧૯૧૯ માં ગુજરાત આવી ગયા. ત્યારે ગાંધીયુગનો આરંભ હતો. રવિશંકર રાવળે ‘વીસમી સદી’ માટે ગાંધીજીનો સ્કૅચ બનાવ્યો હતો. પરંતુ ૧૯૨૨ માં વધારે મહત્ત્વનો પ્રસંગ આવ્યોઃ ગાંધીજી પર ખાસ અદાલતમાં રાજદ્રોહના આરોપસર કેસ મુકાયો અને ગાંધીજીએ આરોપનો સ્વીકાર કરતાં તેમને જેલની સજા થઈ. અલબત્ત, સજા કરનાર અંગ્રેજ ન્યાયાધીશે અસાધારણ વિવેકથી કામ લીધું. એ ઐતિહાસિક મુકદ્દમાની એકમાત્ર દૃશ્યાત્મક સ્મૃતિ એટલે રવિભાઈએ ત્યાં બનાવેલો સ્કૅચ અને તેના આધારે પછીથી બનાવેલું તેનું ચિત્ર.
‘વીસમી સદી’ના તંત્રી હાજી મહંમદ આર્થિક રીતે ખુવાર થઈને ૧૯૨૧ માં અવસાન પામ્યા. ત્યારે રવિભાઈએ કૃતજ્ઞતાપૂર્વક હાજીનો સ્મારકગ્રંથ તૈયાર કર્યો અને તેના સંપાદનની જવાબદારી હાજી સાથે જોડાવા માટે ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’ની નોકરી છોડી દેનાર બચુભાઈ રાવતને સોંપી. ત્યાર પછી ‘વીસમી સદી’થી પ્રેરાઈને, કંઈક અંશે તેની ખોટ પુરવા તેમણે બચુભાઈ રાવતના સહયોગથી ૧૯૨૪ માં ‘કુમાર’ માસિક શરૂ કર્યું. તેનો આશય નવી પેઢીમાં સાહિત્ય-કલા-સંસ્કારનું સિંચન કરવાનો હતો.
‘કુમાર’ કાર્યાલયનું વિશાળ મકાન ફક્ત માસિકની ઓફિસ ન બની રહેતાં, અનેક નવોદિતો માટે વિસામો અને અમુક અર્થમાં ગુરુકુળ બન્યું. રવિભાઈએ ત્યાં મફત ચિત્રશિક્ષણ આપવાનું શરૂ કરતાં બહારગામથી પણ વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. આગળ જતાં તે પ્રવૃત્તિ ‘ગુજરાત કલાસંઘ’ નામે વિકસી અને લગભગ દોઢેક દાયકા સુધી ધબકતી રહી. એ સમયગાળામાં રવિભાઈને મરાઠી ચિત્રકારોની ટુકડીમાં જોડાઈને અજંતાઇલોરાનાં ચિત્રોનો અભ્યાસ કરવાનું-તેની પ્રતિકૃતિઓ બનાવવાનું નિમંત્રણ મળ્યું. તે અનુભવ તેમના માટે યાદગાર બની રહ્યો.
પ્રવાસો, પરિચયો, પુસ્તકો અને માનસન્માન

બે દાયકા સુધી ‘કુમાર’ થકી કલાસાહિત્યનો યજ્ઞ આદર્યા પછી, માંદગી અને બીજા વિશ્વયુદ્ધને કારણે આવી પડેલી મોંઘવારીમાં 1942માં રવિશંકર રાવળે માસિક બંધ કરવાનો નિર્ણય લીધો. તે વખતે કેટલાક શુભેચ્છકોએ ‘કુમાર’ને એક લિમિટેડ કંપનીનું સ્વરૂપ આપ્યું, આર્થિક બોજ ઉપાડી લીધો અને પહેલા અંકથી કુમાર સાથે જોડાયેલા બચુભાઈ રાવતે માસિકની જવાબદારી સંભાળીને દાયકાઓ સુધી ગુજરાતી વાચકોને ઉત્તમ સામગ્રી પૂરી પાડી.
ગુજરાતી કલાના પ્રતિનિધિ તરીકે રવિશંકર રાવળ શાંતિનિકેતનના ચિત્રકારોથી માંડીને વિદેશી કલાકારો-કલાવિવેચકોના પણ સંપર્કમાં આવ્યા અને તેમની સાથે સ્નેહનો નાતો બંધાયો. અમદાવાદના સર ચીનુભાઈના પરિવાર સાથેની નિકટતાને કારણે, તેમની સાથે કરેલા પ્રવાસોમાં ઘણા કલાકારો અને કલાતીર્થો સાથે તેમનો પ્રત્યક્ષ સંપર્ક થયો.
પીંછી ઉપરાંત કલમ સાથે પણ રવિશંકર રાવળે સફળતાથી કામ લીધું. અજંતાઇલોરા, જાપાન, રશિયા જેવા પ્રવાસના સ્કૅચ સાથેનાં આલેખનથી માંડીને કલાશિક્ષણ જેવા વિષયો પર તેમણે પુસ્તકો લખ્યાં. ઉપરાંત ‘ગુજરાતમાં કલાના પગરણ’ જેવી દળદાર, નમૂનેદાર, સચિત્ર આત્મકથા આપી. ભારતીય શૈલીનાં વિવિધ પ્રકારનાં ચિત્રો ઉપરાંત ‘અફલાતુન’ નામથી તેમણે કટાક્ષચિત્રો પણ કર્યાં.
ચિત્રોમાં ગુજરાતની અસ્મિતા ઉજાગર કરવા બદલ છેક ૧૯૩૦ માં તેમને રણજિતરામ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા તરફથી નહીં, પણ વ્યક્તિગત રીતે હીરાલાલ પારેખ તરફથી અપાતો હતો. સોવિયેતલૅન્ડ નહેરુ પારિતોષિક, લલિતકલા અકાદમીનું સન્માન અને ૧૯૬૫ માં ‘પદ્મશ્રી’ સહિતનાં ઘણાં સન્માન તેમને મળ્યાં. અમદાવાદમાં લલિતકલા અકાદમીના ભવન સાથે તેમનું નામ જોડવામાં આવ્યું. અમદાવાદના પાલડી વિસ્તારમાં, હાલમાં જ્યાં કચ્છી ભવન આવેલું છે ત્યાં રવિશંકર રાવળનો ‘ચિત્રકૂટ’ બંગલો હતો. ત્યાં જ ૮૫ વર્ષની વયે ટૂંકી બીમારી પછી તેમનું અવસાન થયું.