લોકસભા ચૂંટણી ૨૦૨૪ સંબંધિત ઓપિનિયન પોલ પરિણામ અનુસાર ભાજપ ફરી એકવાર મોદી સરકાર બનાવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ સંબંધિત દેશમાં જાહેર થઇ રહેલા ઓપિનિયન પોલમાં ભાજપ સત્તા બનાવતી દેખાઇ રહી છે. હાલમાં કરાયેલા એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન ૩૯૯ બેઠકો પર જીત મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસ અને વિપક્ષી દળોની હાલત નબળી દેખાઇ રહી છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ પરિણામ અંગે ઇન્ડિયા ટીવી સીએનએક્સ દ્વારા માર્ચ માસમાં એક ઓપિનિયન પોલ સર્વે કરાયો હતો. દેશની ૫૪૩ બેઠકો પર ૯૧,૧૦૦ પુરુષ અને ૮૮,૦૯૦ મહિલાઓ મળી કુલ ૧,૭૯,૧૯૦ લોકોનો સર્વે કરાયો હતો. આ સર્વેના આધારે જાહેર કરાયેલા ઓપિનિયન પોલ મુજબ લોકસભાની ૫૪૩ બેઠકો પર ચૂંટણી થાય તો દેશમાં ફરી એકવાર મોદી સરકાર બની શકે છે.
લોકસભા ચૂંટણી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા ૪૦૦ થી વધુ બેઠકો પર જીત મેળવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જે આ ઓપિનિયન પોલના પરિણામ સાથે મળતા દેખાઇ રહ્યા છે. ઓપિનિયન પોલ મુજબ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) ૩૯૯ બેઠક પર જીત મેળવી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ૩૪૨ બેઠકો પર જીતી શકે છે.
ગુજરાત સહિત આ રાજ્યમાં ક્લિન સ્વીપ
ઓપિનિયન પોલના અનુમાન મુજબ લોકસભા ચૂંટણી ૨૦૨૪ પરિણામમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ક્લીન સ્વીપ કરી શકે છે. આ રાજ્યોમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવી શક છે. ગુજરાતની તમામે તમામ ૨૬ બેઠક, મધ્ય પ્રદેશની ૨૯, હરિયાણાની ૧૦, દિલ્હીની તમામ ૭ ઉત્તરાખંડની તમામ ૫ અને હિમાચલ પ્રદેશની ચારેય બેઠકો પર ભાજપ જીત મેળવી શકે છે.
ભાજપ કોંગ્રેસને કેટલી બેઠકો પર જીત?
ઓપિનિયન પોલ મુજબ ભાજપ ગઠબંધન NDA ને સૌથી વધુ ૩૯૯ બેઠકો મળતી હોવાનું અનુમાન છે. રાજકીય પાર્ટી મુજબ ઓપિનિયન પોલના અનુમાન જોઇએ તો ભાજપ ૩૪૨ બેઠક પર, કોંગ્રેસ ૩૮, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ૧૯, ડીએમકે ૧૮, જેડીયૂ ૧૪, ટીડીપી ૧૨, આમ આદમી પાર્ટી ૬, સમાજવાદી પાર્ટી ૩ બેઠકો પર જીત મેળવી શકે છે. જ્યારે અન્યને ૯૧ બેઠકો પર જીત મળવાનું અનુમાન છે.