શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. યુએસ ફેડ રિઝર્વના રેટ કટના સંકેત બાદ હવે શુક્રવારે જાહેર થનાર રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી પર રોકાણકારોની નજર છે.
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી એ નવી ઐતિહાસિક ટોચ બનાવી છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટના સંકેત અને એશિયન બજારોમાં પણ પોઝિટિવ ટ્રેન્ડથી ભારતીય શેરબજાર ફરી રેકોર્ડ હાઇ થયા છે. ૪ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઇ સેન્સેક્સ ૭૪૫૦૧ અને નિફ્ટી ૨૨૬૧૯ ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા. નોંધનિય છે કે, ૫ એપ્રિલે રિઝર્વ બેંક દ્વારા મોનેટરી પોલિસીની ઘોષણા થશે જેમાં મુખ્ય વ્યાજદરો સ્થિર રહેવાની પ્રબળ સંભાવના છે.
બીએસઇ સેન્સેક્સ રેકોર્ડ હાઇ લેવલે
શેરબજાર સેન્સેક્સ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. પાછલા બંધ ૭૩૮૭૬ બંધ સામે સેન્સેક્સ આજે ૫૩૭ પોઇન્ટના ઉંચા ગેપમાં ૭૪૪૧૩ ખૂલ્યો અને શરૂઆતના સેશનમાં વેચવાલીના દબાણથી ઘટીને ૭૩૪૮૫ સુધી તૂટ્યો હતો. જો કે ૧૧ વાગ્યા બાદ નીચા ભાવ બેન્કિંગ અને પસંદગીના ઓટો સ્ટોકમાં ખરીદી નીકળતા બજારને સપોર્ટ મળ્યો. સેન્સેક્સમાં તળિયેથી ૧૦૧૬ ઇન્ટ્રા-ડે ઉછાળો આવ્યો અને ૭૪૫૦૧ રેકોર્ડ હાઇ લેવલે બનાવ્યું છે. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ ૩૫૧ પોઇન્ટ વધી ૭૪૨૨૭ બંધ થયો છે.