ગુજરાત માં ગરમી વચ્ચે અમદાવાદ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સપ્તાહના અંતમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી.
ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ બાદ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે ૧૨, ૧૩ અને ૧૪ તારીખે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાના છે.
ગુજરાત : કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરતા વેધર બુલેટીનમાં જણાવ્યું છે કે, તારીખ ૮, ૯, ૧૦ અને ૧૧ હવામાન સ્વચ્છ રહેતા ગરમી યથાવત રહેશે, જ્યારે તારીખ ૧૨, ૧૩ અને ૧૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ કેટલાક વિસ્તારમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે, આ સિવાય કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
ગુજરાત : ક્યાં ક્યારે વરસાદ થશે?
હવાાન વિભાગ અનુસાર તારીખ ૧૨ એપ્રિલે નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. તો તારીખ ૧૩ એપ્રિલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લા તથા કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. તો ૧૪ એપ્રિલે વહેલી સવારે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લા તથા કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ૧૪ તારીખ સવાર પછી વાતાવરણ સ્વચ્છ રહેતા ધીમે ધીમે ફરી ગરમી વધશે.
ગુજરાત : ક્યાં કેવી ગરમી?
ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે રવિવારે ગુજરાતના ભુજમાં સૌથી વધુ ૩૯.૫ ડિગ્રી અને બીજા નંબરે સુરેન્દ્રનગર ૩૯.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું – જે સામાન્ય કરતાં ૧.૦ અને ૦.૬ ડિગ્રી વધારે હતું.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, રવિવારે અમદાવાદ (૩૮.૮ ડિગ્રી), વડોદરા (૩૮.૬ ડિગ્રી), ગાંધીનગર (૩૮.૫ ડિગ્રી), રાજકોટ (૩૮.૭ ડિગ્રી), , અમરેલી (૩૮.૮ ડિગ્રી) અને ડીસા (૩૮.૭ ડિગ્રી) અને વલસાડ (૩૮.૮ ડિગ્રી) એટેલે કે આ શહેરોમાં સૌથી વધુ ગરમી જોવા મળી હતી.