યુએસ પ્રમુખપદની ચૂંટણી ૨૦૨૪

ટ્રમ્પ જીતશે તો બાઈડન સામે તપાસ એજન્સીઓને કામે લગાડશે તેવી ભવિષ્યવાણી.

Article Content Image

બદલાની રાજનીતિ માત્ર ભારતમાં જ  થાય છે તેવુ નથી. અમેરિકાના રાજકારણમાં પણ ટ્રમ્પ અને બાઈડન વચ્ચેની દુશ્મનાવટે આ પ્રકારના રાજકારણને જન્મ આપી દીધો છે. 

અમેરિકન મીડિયાના હવાલાથી કહેવાઈ રહ્યુ છે કે, જો ટ્રમ્પ આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ બન્યા તો તેનાથી બાઈડનની મુશ્કેલીઓ વધશે. બાઈડન અને તેમના પરિવાર સામે જે પણ તપાસ પહેલેથી ચાલી રહી છે તેના પર ફોકસ કરવા માટે ટ્રમ્પ એજન્સીઓને આદેશ આપશે. ટ્રમ્પની પ્રચાર ટીમમાં સામેલ એક નિકટના વ્યક્તિએ કહ્યુ હતુ કે, બાઈડન સરકાર અત્યારે જે કરી રહી છે તે જ ટ્રમ્પ પણ કરી શકે છે. 

ટ્રમ્પના નિકટના ટેકેદારોનો ઈશારો ટ્રમ્પ સામે હાલમાં ચાલી રહેલી કાર્યવાહી તરફ હતો. બાઈડન રાષ્ટ્રપતિ બન્યા એ પછી ટ્રમ્પની સામે ૪૪ અલગ અલગ પ્રકારના કેસ ચાલી રહ્યા છે. જેમાં ૪૦ કેસ ગુપ્ત દસ્તાવેજને લગતા છે અને બીજા ચાર કેસ ૨૦૨૦ની ચૂંટણીમાં થયેલી કથિત ગરબડ સાથે જોડાયેલા છે. જોકે તમામ આરોપોનો સામનો કર્યા પછી પણ ટ્રમ્પ આગામી ચૂંટણીમાં બાઈડન સામે મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા છે.

એવુ મનાઈ રહ્યુ છે કે, ડોનાલ્ડ  ટ્રમ્પ જો રાષ્ટ્રપતિ બન્યા તો તે પોતાની સામેના તમામ આરોપો હટાવી દેવા માટે આદેશ આપી શકે છે. બીજી તરફ જો બાઈડન પર પણ ગુપ્ત દસ્તાવેજોને લઈને  આરોપ લાગેલા છે પણ તેમાં કોઈ કાર્યવાહી નથી થઈ અને આ મામલામાં ટ્રમ્પ બાઈડનની સામે તપાસ આગળ વધારવા માટે એજન્સીઓ પર દબાણ કરી શકે છે. જે બાઈડનની મુશ્કેલી વધારશે. 

ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિ બનવુ આસાન તો નથી જ. આગામી ચૂંટણી માટે બાઈડન અને ટ્રમ્પ વચ્ચે રસાકસી થવાની પૂરી શક્યતા છે અને સમગ્ર દુનિયાની નજર તેના પર રહેશે. ચૂંટણી લડવા માટે બાઈડનની ટીમ અત્યાર સુધીમાં ૧૯ કરોડ ડોલર અને ટ્રમ્પની ટીમ ૯.૩ કરોડ ડોલર જ ફંડ મેળવી શકે છે. આ મામલે બાઈડન  પ્રતિસ્પર્ધી ટ્રમ્પ કરતા ખાસા આગળ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *