આમ આદમી પાર્ટીના આતિશીનો કર્યો મોટો દાવો.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધપકડ બાદ દિલ્હી સરકારના પ્રધાન અને આમ આદમી પાર્ટી નેતા આતિશી માર્લેનાએ મોરચો સંભળાયો છે, તેઓ સતત કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીપર પ્રહાર કરી રહ્યા છે. એવામાં આતિશીએ દાવો કર્યો છે કે અધિકારીઓએ દિલ્હી સરકારની મીટિંગમાં આવવાનું બંધ કરી દીધું છે. આ દર્શાવે છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારને તોડીને રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
કેજરીવાલ હાલમાં દિલ્હીની લિકર પોલીસ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. કેજરીવાલ અગાઉ જાહેરાત કરી ચુક્યા છે કે તેઓ મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે, તેઓ જેલમાં રહીને સરકાર ચલાવશે.
આતિશીએ કહ્યું કે, “અરવિંદ કેજરીવાલની સરકાર સામે એક મોટું રાજકીય કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં કોઈ અધિકારીની પોસ્ટિંગ નથી થઇ. દિલ્હીમાં ઘણા વિભાગો ખાલી છે. છેલ્લા એક અઠવાડિયાથી એલજી સાહેબ કોઈ કારણ વગર દિલ્હી સરકાર સામે ગૃહ મંત્રાલયને પત્ર લખી રહ્યા છે. ૨૦ વર્ષ જુનો મામલો ઉઠાવીને સચિવ દિલ્હીના મુખ્ય પ્રધાનને બરતરફ કરવામાં આવ્યા હતા. આ બધું દર્શાવે છે કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”
દિલ્હી સરકારના પ્રધાન આતિશીએ કહ્યું, “…ભાજપ જાણે છે કે તેઓ ગમે તેટલા પ્રયત્નો કરે, તેઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને હરાવી શકવાના નથી. દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે, દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરે છે અને દિલ્હીના લોકો ભાજપના દરેક સંભવિત પ્રયાસો છતાં આમ આદમી પાર્ટીને મત આપે છે. ભાજપ દિલ્હીમાં ચૂંટણી જીતવાની નથી, તેથી તેઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ચૂંટાયેલી સરકારને હરાવવાનું કાવતરું કરી રહ્યા છે.