ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હોવાના દાવાથી ઈઝરાયલ નું ટેન્શન વધ્યું, ઈરાને યુરેનિયમ જથ્થો ભેગો કર્યો, ત્રીજા વિશ્વ યુદ્ધ ના ખતરાનો અણસાર વધ્યો.

ઈઝરાયેલ સાથે ચાલી રહેલી દુશ્મની વચ્ચે અમેરિકાએ ઈરાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. અમેરિકન અખબારે દાવો કર્યો છે કે, ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાને મોટી માત્રામાં યુરેનિયમ એકઠું કર્યું છે અને તે એક સપ્તાહની અંદર ત્રણ પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
ઈરાન પરમાણુ બોમ્બ બનાવી શકે છે
દાવો છે કે, ઈરાન પાસે એટલું યુરેનિયમ છે કે, તે તેના ઘણા શસ્ત્રોને અપગ્રેડ કરી શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઈઝરાયેલ સહિત વિશ્વના ઘણા દેશો તણાવમાં છે.
ઈરાને યુરેનિયમ નો જંગી જથ્થો જમા કર્યો
વોશિંગ્ટન પોસ્ટના સમાચાર મુજબ તેહરાનમાં યુરેનિયમનો જંગી જથ્થો જમા કરવામાં આવ્યો છે. ઈરાન ભલે દાવો કરી રહ્યું હોય કે, તે પરમાણુ બોમ્બ નથી બનાવી રહ્યું પરંતુ, તેણે યુરેનિયમ એકઠું કર્યું હોવાનું સ્વીકાર્યું છે.
ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયલને આપી છે ધમકી
તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલ પાસેથી બદલો લેવાની ધમકી આપી છે. ઈરાને તો ત્યાં સુધી કહ્યું છે કે, જો અમેરિકા પણ આ યુદ્ધની વચ્ચે આવશે તો, તેને પણ પરિણામ ભોગવવાની ધમકી પણ આપવામાં આવી છે. સીરિયાના દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો ત્યારે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો. આ હુમલામાં 7 ઈરાની સૈનિકો માર્યા ગયા હતા.
ઇઝરાયેલ પાસે કેટલા પરમાણુ બોમ્બ છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયેલ પાસે હાલમાં 80 પરમાણુ બોમ્બ છે. જ્યારે ઈરાન પાસે કોઈ પરમાણુ બોમ્બ નથી. જો બંને દેશો વચ્ચે યુદ્ધ ઉગ્ર બનશે તો, ઇઝરાયેલને હાલમાં પરમાણુ બોમ્બના આધારે ધાર મળી શકે છે.
ઈરાન મોટા હુમલાની યોજના બનાવી રહ્યું : ઈઝરાયલ
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈઝરાયેલને ડર છે કે ઈરાન કોઈ મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. તેથી ઈઝરાયેલે તેની જીપીએસ નેવિગેશન સિસ્ટમ પણ બંધ કરી દીધી છે. તમામ સૈનિકોની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
ત્રીજા વિશ્વ યુદ્ધના ખતરાનો અણસાર
વર્તમાન સમયની વાત કરીએ તો, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલને અમેરિકા અને બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશોનું સમર્થન મળ્યું છે. બીજી તરફ ઈરાક, સીરિયા, રશિયા, કતાર, જોર્ડન અને લેબનોન જેવા દેશો ઈરાન સાથે જોડાયા છે. આવી સ્થિતિમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો અવાજ વધુ તેજ બની રહ્યો છે.