પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર..
કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે ઉત્તરાખંડના રામનગર પીરુમદારામાં જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને અનેક આકરા સવાલ પૂછ્યા હતા. આજે ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની બે જનસભા હતી. તેમાંથી પીરુમદારામાં તેમણે પહેલી જનસભાને સંબોધિત કરી અને ત્યારબાદ તેઓ રુડકીની જનસભા માટે રવાના થઈ ગયા હતા.
પૌડી ગઢવાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગણેશ ગોડિયાલના પ્રચારને ધાર આપવા માટે પ્રિયંકા ગાંધી પીરુમદારા કિસાન ઈન્ટર કોલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ક્યાં સુધી કોંગ્રેસ પર દોષ ઠાલવતા રહેશો? છેલ્લા ૧૦ વર્ષોથી કોંગ્રેસનું રાજ નથી. ૧૦ વર્ષથી ભાજપ સંપૂર્ણ સત્તામાં છે. તેઓ કહે છે કે, ‘અબકી બાર ૪૦૦ પાર’… વધુ બહુમત જોઈએ અને સત્તા જોઈએ.
૭૫ વર્ષમાં કંઈ થયું નથી. જો ૭૫ વર્ષમાં કંઈ નથી થયું તો ઉત્તરાખંડમાં આટલી પ્રતિભા ક્યાંથી આવી? દેશમાં IIT, IIM અને AIIMS ક્યાંથી આવ્યા..? જો પંડિત જવાહરલાલ નેહરુએ 1950 બાદ આ ન બનાવ્યા હોત તો શું આજે આ બધું શક્ય હતું?
આજે દેવભૂમિ ઉત્તરાખંડની બહેનો-ભાઈઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. તમે દેશના કોઈ પણ ખૂણામાં ચાલ્યા જાઓ જનતા એક જ વાત કહી રહી છે કે, બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. વીરભૂમિ ઉત્તરાખંડના જે નૌજવાનો સેનામાં જવાનું સપનું જોતા હતા તેઓ આજે હતાશ છે. મોદી સરકારે અગ્નિવીર યોજના લાવીને યુવાઓનું સપનું તોડી નાખ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની સરકાર બનતા જ અગ્નિવીર યોજનાને રદ કરીને સામાન્ય ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જનતાને મારી એક અપીલ છે કે, તમે પોતાના બાળકોના ભવિષ્ય વિશે વિચારો અને ‘અબકી બાદ જનતા કી સરકાર બનાયે’.