૧ જૂનના રોજ કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતના લગભગ ૪૫ દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા આ આગાહી જારી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે આગામી જૂન-સપ્ટેમ્બર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતમાં સારા ચોમાસા સાથે સંકળાયેલ લા નીના સ્થિતિ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી ભારતમાં સક્રિય થવાની સંભાવના છે.
IMD દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. IMD ચીફે જણાવ્યું હતું કે ૧૯૫૧થી ૨૦૨૩ સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખતે સામાન્ય ચોમાસાથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે અલ નીનો પછી લા નીનાની સ્થિતિ હતી.
આઇએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ૨૦૨૪ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા હેઠળ ૧જૂનથી ૩૦ સપ્ટેમ્બર ની વચ્ચે ચોમાસાનો મોસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશ (એલપીએ) ના ૧૦૬ % રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે જો લાંબા ગાળાની સરેરાશના ૯૬ %થી ૧૦૪ % વચ્ચે વરસાદ પડે તો મોસમી વરસાદ સામાન્ય છે.
૧૦૬ % વરસાદ સામાન્યથી વધુની શ્રેણીમાં આવે છે
આઇએમડીના વડાએ જણાવ્યું હતું કે ૧૦૬ % વરસાદ સામાન્યથી વધુ કેટેગરીમાં આવે છે. જો તે લોંગ પીરિયડ એવરેજ (એલપીએ)ના ૧૦૫ %થી ૧૧૦ %ની વચ્ચે હોય તો તેને સામાન્યથી વધુ માનવામાં આવે છે. એક દાયકામાં આ પ્રથમ વખત છે જ્યારે આઇએમડીએ સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. ૧ જૂનના રોજ કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતના લગભગ ૪૫ દિવસ પહેલા આગાહી જારી કરવામાં આવી છે.
સામાન્યથી વધુ વરસાદની ઊંચી સંભાવના દર્શાવતા અનેક અનુકૂળ પરિબળો છે
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે આ વર્ષે જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન સામાન્યથી વધુ વરસાદની ઊંચી સંભાવના દર્શાવતા અનેક અનુકૂળ પરિબળો છે. આમાંથી મહત્વપૂર્ણ દરિયાઇ પરિબળ અલ નીનો છે જે વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગર પર પ્રવર્તતા સામાન્યથી વધુ દરિયાઇ સપાટીના તાપમાન સાથે સંકળાયેલી ઘટના છે. તે આત્યંતિક હીટવેવનું કારણ બનવા અને ભારતીય ઉનાળાના ચોમાસાના વરસાદને દબાવવા માટે જાણીતું છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલી અલ નીનો ઇવેન્ટ નબળી પડી રહી છે. પણ તે હજુયે મધ્યમ કક્ષાની શ્રેણીમાં જ રહે છે. તેમણે ઉમેર્યું હતું કે ચોમાસાની ઋતુના ઉત્તરાર્ધમાં લા નીનાની સ્થિતિ ઊભી થવાની ધારણા છે, જે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ લાવી શકે છે.