શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ધબડકો બોલાયો છે. ઈરાન ઈઝરાયલ તણાવના લીધે એશિયન બજારમાં પણ મંદીનો માહોલ છે.
શેરબજાર માટે મંગળવાર ફરી અમંગળ સાબિત થયો છે. ઈરાન ઈઝરાયલ તણાવ વચ્ચે સ્ટોક માર્કેટની શરૂઆતમાં જ સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલાયો છે. બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ ૭૩૩૯૯ સામે આજે નીચા ગેપમાં ૭૨૮૯૨ ખુલ્યો છે. તેવી જ રીતે એનએસઇ નિફ્ટી પાછલા બંધ ૨૨૨૭૨ સામે નીચા ગેપમાં આજે ૨૨૧૨૫ ખૂલ્યા છે. એશિયન શેરબજારોમાં પણ આજે મંદીનો માહોલ હતો.
બેન્કિંગ અને આઈટી શેરમાં મંદી
ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સના ૩૦ બ્લુચીપ સ્ટોકમાં સૌથી વધુ બેન્કિંગ અને આઈટી શેર ડાઉન હતા. સવારના સેશનમાં બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, ઈન્ડ્સઇન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, લાર્સન ટુર્બો, એસબીઆઈમાં સૌથી વધુ વચેવાલી જોવા મળી છે.
એશિયન માર્કેટમાં કડાકો
ઈરાન ઈઝરાયલ તણાવના લીધે વૈશ્વિક શેરબજાર પણ તૂટ્યા છે. ગિફ્ટ નિફ્ટી ૧૦૦ પોઇન્ટથી વધુ ઘટ્યો છે. એશિયન માર્કેટ પણ દોઢ ટકા સુધી તૂટ્યા છે. નિક્કેઇ માર્કેટ ૨.૨ %, તાઇવાન માર્કેટ ૨.૫ %, હોંગકોંગ માર્કેટ ૨ %, કોસ્પી ૨ %, શાંઘાઈ કોમ્પોઝિટ ૧.૪ % અને સ્ટ્રેટ ટાઈમ્સ લગભગ અડધો ટકા ડાઉન હતા. યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે અમેરિકન માર્કેટ સોમવારે ઘટીને બંધ થયા હતા, આ સાથે અમેરિકન બજાર સતત છઠ્ઠા દિવસે ઘટ્યા હતા.