આજે સમગ્ર દેશમાં રામનવમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો પણ ભગવાનની આરાધનામાં તરબોળ બન્યા છે. ત્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું, અને ભગવાન શ્રી રામની મહા આરતી કરવામાં આવી હતી.આ દુર્લભ દર્શનનો લાહવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. અને આ અદ્દભુત નજારાને ભક્તોએ કેમેરામાં કેદ કર્યો હતો. વિજ્ઞાન અને આધ્યાત્મના આ સુલભ સમન્વયનો સાક્ષી આજે આખો દેશ બન્યો છે.
રામનવમીના પવિત્ર દિવસે પ્રધાનમંત્રીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના લલાટે થયેલા સૂર્યતિલકના દર્શનનું અદભુત્ દ્રશ્ય નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ક્ષણ ખૂબ જ ભાવુક કરી દેનારી હતી. અયોધ્યામાં આ રામનવમીની ઉજવણી ઘણી ઐતિહાસિક છે. પીએમ એ અસમના નવવારીમા જનસભાને સંબોધ્યા બાદ આ દર્શન કર્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી કે આ સૂર્યતિલક આપણા જીવનમાં શક્તિ લાવે તથા દેશને નવી ઉંચાઇઓએ લઈ જવાની પ્રેરણા આપે.
આજે રામનવમીનાં પાવન અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી.. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યુ છે કે આ શુભ દિવસે તેમનું હૃદય લાગણી અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. તેમણે કહ્યું કે, આ શ્રી રામની પરમ કૃપા છે કે મારા લાખો દેશવાસીઓ સાથે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બન્યો. અવધપુરીની એ ક્ષણની યાદો આજે પણ મારા મનમાં એ જ ઉર્જાથી વાઇબ્રેટ થાય છે. ત્યારે પહેલી વખત અયોધ્યામાં રામનવમી ઉજવવામાં આવશે. ૫ સદીની રાહ જોયા બાદ આજે અયોધ્યામાં આ રીતે રામનવમી ઉજવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ દેશવાસીઓની આટલા વર્ષોની કઠોર તપસ્યા, ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. આજનો આ ઉત્સવ અસંખ્ય રામ ભક્તો અને સંતો-મહાત્માઓને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ આપવાનો પણ છે જેમણે રામ મંદિરના નિર્માણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જીવન અને તેમના આદર્શો વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત આધાર બનશે. તેમના આશીર્વાદ આત્મનિર્ભર ભારતના સંકલ્પને નવી ઉર્જા પ્રદાન કરશે.