મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન: ‘રામમંદિર છોડો, અમારા લોકોને ગામના નાના મંદિરે પણ જવા નથી દેવાતા’

Article Content Image

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ અયોધ્યાના રામ મંદિર નો ઉલ્લેખ કરી ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, ‘અનુસૂચિત જાતિના લોકો હજુ પણ દેશભરમાં ભેદભાવનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના હોવાથી મોદી સરકારે તેમનું અપમાન કર્યું છે. મુર્મૂને અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું, જ્યારે કોવિંદને નવા સંસદભવનની આધારશિલા રાખવાની મંજૂરી આપવામાં ન આવી.’

મલ્લિકાર્જુન ખડગે : મારા લોકોને કોઈપણ મંદિરમાં જવાની મંજૂરી નથી 

ખડગેએ વધુમાં કહ્યું કે, ‘મારા લોકોને આજે પણ તમામ મંદિરોમાં જવાની મંજૂરી નથી. માત્ર રામ મંદિર જ નહીં, તમે ક્યાં પણ જાઓ, પ્રવેશ માટે મારમારી થાય છે. ગામડાઓમાં નાના-નાના મંદિરોમાં પણ જવાની મંજૂરી નથી. પીવાનું પાણી અપાતું નથી, શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી અપાતી નથી, જો વરરાજા ઘોડા પર લગ્ન કરવા નિકળે તો તેને ખેંચીને માર મારવામાં આવે છે. તો પછી હું કેવી રીતે આશા રાખું. જો હું ગયો હોત, તો શું તેઓ સહન કરી શક્યા હોત?’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ રાજકીય મજબૂરીના કારણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી દૂર રહી છે, જેને ખડગેએ રદીઓ આપ્યો છે. આ મુદ્દે તેમણે કહ્યું કે, ‘અનુસૂચિત જાતિના લોકોને હજુ પણ ઘણા મંદિરોમાં જવાની મંજૂરી નથી, આવી સ્થિતિમાં હું અયોધ્યા ગયો હતો તો શું તેઓ સહન કરી શક્યા હોત?

જ્યારે ખડગેને પ્રશ્ન કરાયો કે, શું તમે બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાનું વિચાર્યું હતું? તો તેમણે કહ્યું કે, ‘આ વ્યક્તિગત આસ્થા છે, કોઈપણ વ્યક્તિ જ્યારે ઈચ્છે, જે દિવસે ઈચ્છે, પછીના દિવસે કે કોઈપણ દિવસે મંદિર જઈ શકે છે. મોદી પુજારી નથી. તેમણે રામ મૂર્તિની સ્થાપનાનું નેતૃત્વ કેમ કર્યું? મોદીજીએ માત્ર રાજકીય ઉદ્દેશના કારણે આવું કર્યું. મંદિરનો એક તૃતિયાંશ ભાગ હજુ પણ તૈયાર થયો નથી. આ રાજકીય સમારોહ છે કે ધાર્મિક સમારોહ.. તમે ધર્મને રાજકારણ સાથે કેમ સરખાવી રહ્યા છો?’

ખડગે અનુસૂચિત જાતિ સમાજના છે. તેમણે મોદી સરકારના ૪૦૦થી વધુ બેઠકો જીતવાના દાવાને રદીયો આપી કહ્યું કે, ‘તેમનું ત્રીજા કાર્યકાળનું સ્વપ્ન પુરુ નહીં થાય, કારણ કે લોકો પરિવર્તન માટે રાહ જોઈ રહ્યા છે.’ અત્રે એ યાદ રહે કે, રાષ્ટ્રપતિને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ ન આપતા કોંગ્રેસ ભાજપને ઘેરતી રહી છે. ફેબ્રુઆરી-૨૦૨૪માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ કહ્યું હતું કે, રામ મંદિર સમારોહમાં દલિતો અને આદિવાસીઓનું અપમાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *