હિંદુ ધર્મમાં સમુદ્ર મંથનની કથામાં જે વાસુકી નાગનો ઉલ્લેખ છે તેવા મહાકાપ સાપના અવશેષ ગુજરાતમાં મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ગુજરાતના કચ્છમાં જે સાપના અવશેષ મળ્યા, તે ૪.૭ કરોડ વર્ષ જુના છે.

ગુજરાતના કચ્છમાં વર્ષો પહેલા એનાકોન્ડાથી પણ વિશાળ કદ સાપ રહેતા હોવાનો ભારતીય વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકીના નવા સંશોધન અનુસાર ગુજરાતના કચ્છમાં મળી આવેલા અવશેષો અત્યાર સુધીના સૌથી મોટા સાપની કરોડરજ્જુ હોઇ શકે છે. વૈજ્ઞાનિકોના દાવા અનુસાર સાપના અવશેષ ૪.૭ કરોડ વર્ષ જુના છે.
આઈઆઈટી રુરકીના વૈજ્ઞાનિકોએ આ નવી શોધાયેલી સાપની પ્રજાતિનું નામ વાસુકી ઇન્ડિક્સ રાખ્યું છે. અત્રે ઉલ્લેખનિ છે કે, હિંદુ પુરાણો અનુસાર ભગવાન શિવના ગળામાં ધારણ સાપનું નામ વાસુકી છે. જો વૈજ્ઞાનિકોના દાવાને સાચો માનીયે તો કરોડો વર્ષો પહેલા કચ્છમાં વાસુકી નાગનું અસ્તિત્વ હતું.
ગુજરાત ના કચ્છ માં સૌથી મોટા મહાકાય સાપના અવશેષ મળ્યા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), રૂરકીની ટીમે પૃથ્વી પર ફરતા અત્યાર સુધીના સૌથી મોટા સાપ પૈકીના એક વાસુકી ઇન્ડિકસ ની શોધ કરી છે. એક એવા સાપની કલ્પના કરો જે સ્કૂલ બસ (૧૧ થી ૧૫ મીટર વચ્ચે) જેટલો લાંબો હોઈ શકે છે. હિન્દુ પુરાણ અને ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખિત વાસુકી નાગ જેવા મહાકાય સાપના અવશેષો ગુજરાતના કચ્છમાં આવેલી પાંડ્રો લિગ્નાઇટ ખાણમાંથી મળી આવ્યા હતા.
સાપના આ અવશેષોમાંથી ૨૭ કરોડરજ્જુ સારી રીતે સચવાયેલા છે, જેમાંથી કેટલાક અગાઉની જેમ એક બીજા સાથે જોડાયેલા અથવા જોડાયા હોવાનું જણાયું હતું. વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર સાપના અવશેષો લગભગ ૪.૭ કરોડ વર્ષ જૂના છે. એટલે કે ગુજરાતના કચ્છ વિસ્તારમાં કરોડો વર્ષ પહેલા આટલા મહાકાય સાપ રહેતા હતા. હાલ તદ્દન લુપ્ત થઈ ગયેલા મડત્સોઇદે સાપ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા, પરંતુ તે ભારતના એક અદ્વિતિય સાપ વંશનું પ્રતિનિધિત્વ કરતા હતા.
આઈઆઈટી રુરકીએ ગુજરાતના કચ્છમાં વાસુકી ઇન્ડિક્સનું આ અભૂતપૂર્વ સંશોધન કર્યું છે. આ સંશોધન પ્રોફેસર સુનિલ બાજપાઇ અને પોસ્ટ ડોક્ટરલ ફેલો દેબજીત દત્તાએ કર્યુ છે. વૈજ્ઞાનિકોએ જ્યારે આ કરોડરજ્જુ ને ધ્યાનથી જોયું તો તેમના કદ અને આકાર વિશે એક રસપ્રદ વાત ધ્યાનમાં આવી. તેઓ સૂચવે છે કે વાસુકી ઇન્ડિક્સનું શરીર પહોળું અને નળાકાર હતું, જે મજબૂત અને શક્તિશાળી સંરચના તરફ ઇશારો કરે છે. વાસુકી ઈન્ડિકસ એક વિશાળ સાપ છે, જે એક સમયે પૃથ્વી પર ફરતો હતો અને અત્યાર સુધીમાં જાણીતા સૌથી લાંબા સાપનું બિરુદ ધરાવે છે.

એનાકોન્ડાની જેમ વાસુકી ઇન્ડિક્સ પણ ધીમે ધીમે સરકતા હતા
વૈજ્ઞાનિક સંશોધકોનું માનવું છે કે, તે એક ગુપ્ત શિકારી હતો. આજે આપણે જે એનાકોન્ડા જોઈએ છીએ તેની જેમ, વાસુકી ઈન્ડિકસ કદાચ ધીરે ધીરે સરકતો હતો અને શિકાર પર હુમલો કરવા માટે યોગ્ય ક્ષણની રાહ જોતો હતો. તેના વિશાળ આકારે તેના પ્રાચીન ઇકોસિસ્ટમમાં એક મહાકાય શિકારી બનાવી દીધો હતો.
આફ્રિકા, યુરોપ અને ભારતમાં ૧૦ કરોડ વર્ષ પહેલા હતા મહાકાય સાપ
વાસુકી ઇન્ડિકસ અદ્વિતીય છે અને તેનું નામ વાસુકીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને ઘણીવાર હિન્દુ ધર્મના ભગવાન શિવના ગળામાં દર્શાવવામાં આવે છે. આ નામ માત્ર તેના ભારતીય મૂળને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ આ ક્ષેત્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પણ સૂચક છે. વાસુકી ઇન્ડિક્સની શોધ ઇઓસીન કાળ દરમિયાન સાપની જૈવવિવિધતા અને ઉત્ક્રાંતિ પર નવો પ્રકાશ પાડે છે. તે આફ્રિકા, યુરોપ અને ભારતમાં લગભગ ૧૦ કરોડ વર્ષ સુધી અસ્તિત્વ ધરાવતા મેડત્સોઇડ પરિવારના ભૌગોલિક પ્રસાર વિશે પણ માહિતી પૂરી પાડે છે.
આઈઆઈટી રૂરકીના પૃથ્વી વિજ્ઞાન વિભાગના પ્રોફેસર સુનીલ બાજપાઇએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સંશોધન માત્ર ભારતની પ્રાચીન ઇકોસિસ્ટમને સમજવા માટે જ નહીં, પરંતુ ભારતીય ઉપખંડમાં સાપના ઉત્ક્રાંતિ ઇતિહાસને જાણવા માટે પણ મહત્વપૂર્ણ છે. તે આપણા કુદરતી ઇતિહાસને જાળવવાના મહત્વને રેખાંકિત કરે છે અને આપણા ભૂતકાળના રહસ્યોને ઉકેલવામાં સંશોધનની ભૂમિકા પર પ્રકાશ પાડે છે.
આ સંશોધનની પ્રશંસા કરતા આઈઆઈટી રૂરકીના ડિરેક્ટર પ્રોફેસર કે.કે પંતે કહ્યું હતું કે, અમને પ્રોફેસર સુનિલ બાજપાઇ અને તેમની ટીમ પર આ મહત્વપૂર્ણ સંશોધન કરવા પર ગર્વ છે. વાસુકી ઇન્ડિકસની શોધ આઈઆઈટી રૂરકીની વૈજ્ઞાનિક જ્ઞાનને આગળ વધારવાની પ્રતિબદ્ધતા અને સંશોધનમાં ઉત્કૃષ્ટતાના અમારા સતત પ્રયાસને રેખાંકિત કરે છે. આવા વિજ્ઞાન સંશોધન આપણા ગ્રહના ઇતિહાસ વિશેની આપણી સમજને સમૃદ્ધ બનાવે છે અને ગ્લોબલ સાયન્સના પ્લેટફોર્મ પર આઈઆઈટી રૂરકીનું નામ રોશન કરે છે. “