માલદીવમાં આજે સંસદીય ચૂંટણી

ભારત વિરોધી નીતિને લઈને તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ મુઈઝઝુની અગ્નિપરીક્ષા.

ભારતમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪નો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે લોકો બાકીના ૬ તબક્કાના મતદાનની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે ભારતની નજર પાડોશી દેશ માલદીવમાં યોજાનારી સંસદીય ચૂંટણી પર ટકેલી છે.  આજે એટલે કે ૨૧ એપ્રિલના રોજ માલદીવમાં સંસદીય ચૂંટણી યોજાશે. માલદીવની ૨૦મી સંસદીય ચૂંટણીના પરિણામો ૨૮ એપ્રિલે જાહેર થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે ૨૨ એપ્રિલ ૨૦૨૪એ મધ્યરાત્રિ સુધીમાં પ્રારંભિક પરિણામો જાહેર થઈ શકે છે. મુઈઝ્ઝુની સરકાર હાલમાં માલદીવની સંસદમાં કુલ ૯૩ બેઠકો સાથે સત્તામાં છે.

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ માટે આ ચૂંટણી કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી નથી. મુઈઝ્ઝુની નીતિઓને લઈને દેશમાં ભારે નારાજગી છે અને તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ભારત અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાન માટે મુઈઝ્ઝુની ચારે બાજુથી ટીકા થઈ રહી છે. જેને લઈને ભારતને આશા છે કે મુખ્ય વિપક્ષ અને ભારત તરફી પક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) બહુમતી મેળવશે.

આ કારણે માલદીવની ચૂંટણી ભારત માટે મહત્ત્વપૂર્ણ

આ ચૂંટણી પર નજર કરીએ તો ભારત માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં સપ્ટેમ્બર ૨૦૨૩માં ઈબ્રાહિમ સોલિહને હરાવીને મોહમ્મદ મુઈઝ્ઝુ રાષ્ટ્રપતિ બન્યા હતા. સત્તા સંભાળ્યા પછી ભારત વિરોધી મુઈઝ્ઝુએ વર્ષો જૂની પરંપરા તોડીને તેમની પ્રથમ મુલાકાત માટે ભારતને બદલે ચીનને પસંદ કર્યું. એટલું જ નહીં, છેલ્લી ચૂંટણીમાં તેમણે ઈન્ડિયા આઉટના નામે પોતાનો આખો પ્રચાર ચલાવ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો. તેમણે ચીન સાથેની નિકટતા પણ વધારી. જો મુઈઝ્ઝુ જીતશે તો ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ફરી એક વખત બગડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *