પીએમ મોદીએ કહ્યું કે, ED અને CBI માત્ર તેમનું કામ કરી રહ્યા છે એટલે કે ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યા છે અને તેમને કોઈએ રોકવું જોઈએ નહીં.
લોકસભા ચૂંટણીની વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, પીએમ મોદીએ કહ્યું કે, ED અને CBI માત્ર તેમનું કામ કરી રહ્યા છે એટલે કે ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યા છે અને તેમને કોઈએ રોકવું જોઈએ નહીં. એશિયાનેટ ન્યૂઝેબલ સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ વિપક્ષના આરોપો પર એક પ્રશ્નનો જવાબ આપ્યો કે, કેન્દ્ર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે અને તેમના અવાજને દબાવવા માટે વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચારની તપાસ કરવાનું કામ ED અને CBIનું છે. ઉદાહરણ તરીકે શું તમે ટિકિટ તપાસનારને ટ્રેનમાં ટિકિટ ચેક કરતા રોકશો? ED-CBIને આ કામ કરવા દો. પીએમ એ કહ્યું કે, વડાપ્રધાન તરીકે મને પણ EDના કામમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી.
પીએમ મોદીએ કહ્યું કે, જો ED અને CBI તેમનું કામ નથી કરતી તો સવાલો ઉઠાવવા જોઈએ, પરંતુ અહીં વિપક્ષ પૂછી રહ્યો છે કે, એજન્સીઓ તેમનું કામ કેમ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, ED દ્વારા નોંધાયેલા કેસોમાંથી માત્ર ૩ % કેસ રાજકીય વ્યક્તિઓ વિરુદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાકીના ૯૭ % કેસ બિન-રાજકીય વ્યક્તિઓ વિરુદ્ધ છે. તેમણે પૂછ્યું કે, કોઈ આ વિશે કેમ બોલતું નથી?’
૨૦૧૪ પહેલા EDએ ૧૮૦૦ કેસ નોંધ્યા હતા. જોકે ત્યારથી ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ ૫,૦૦૦ થી વધુ કેસ કબજે કર્યા છે અને આ પોતે જ EDની કાર્યક્ષમતા દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, તપાસ એજન્સીએ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૭૦૦૦ સર્ચ હાથ ધર્યા છે, જ્યારે અગાઉ માત્ર ૮૪ સર્ચ કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૧૪ પછી ૧.૨૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે અન્ય એક ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન મોદીએ છેલ્લા દાયકામાં દેશમાં કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો સામનો કરવામાં EDની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ અગાઉ વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાના ભાજપના આરોપને રદિયો આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, EDના ૯૭ % કેસ એવા લોકો વિરુદ્ધ છે જેઓ રાજકારણમાં સામેલ નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઈમાનદાર વ્યક્તિને ડરવાનું કંઈ નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને ‘પાપનો ડર’ હોય છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારે દેશને બરબાદ કરી નાખ્યો છે અને તેની સામે પૂરી તાકાતથી સામનો કરવો પડશે.