પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસે પરિવારવાદ અને ભ્રષ્ટાચારની ઉધઈ ફેલાવીને દેશને ખોખલો કરી દીધો છે અને આજે દેશ કોંગ્રેસથી નારાજ છે અને આ પાપોની સજા આપી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઝંઝાવાતી અંદાજમાં પ્રચાર કરી રહ્યા છે. રવિવારે તેમણે કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા એટલે કે સોનિયા ગાંધી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જે લોકો રાજસ્થાનથી ભાગી ગયા હતા તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના પરિવાર અને ભાઇ-ભત્રીજાવાદ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજસ્થાનના જાલોરમાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું છે કે દેશ કોંગ્રેસ પાર્ટીને તેના પાપોની સજા આપી રહ્યો છે. પીએમે કહ્યું કે તેઓ ૪૦૦ સીટો જીતતા હતા, આ લોકસભા ચૂંટણીમાં તેઓ ૩૦૦ સીટો પર ચૂંટણી લડવામાં અસમર્થ દેખાઇ રહ્યા છે.
પીએમ મોદીએ રાજસ્થાનના જાલોરમાં કહ્યું કે દેશ નથી ઇચ્છતો કે ૨૦૧૪ પહેલાની સ્થિતિ પરત આવે. આ સાથે તેમણે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે જે લોકો ચૂંટણી નથી લડી શકતા તે મેદાન છોડીને ભાગી ગયા છે. આ વખતે તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા છે.
ઇન્ડિયા ગઠબંધન અંદરોઅંદર લડી રહ્યું છે
પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ વિશે કહ્યુ કે કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે તેમણે તકવાદી ઇન્ડી ગઠબંધન બનાવ્યું છે. તે એક પતંગ જેવું છે જેની દોરી ઉડતા પહેલા જ કાપી નાખવામાં આવી છે. તે માત્ર નામનું ગઠબંધન છે, કારણ કે તેના દળો ઘણા રાજ્યોમાં એકબીજા સામે લડી રહ્યા છે.
પરિવારવાદ પર પ્રહાર
તેમણે કહ્યુ કે આ લોકસભા ચૂંટણીમાં દેશમાં ૨૫ % સીટો એવી છે જ્યાં આ ગઠબંધનના લોકો એક બીજાને ખતમ કરવામાં લાગેલા છે. પીએમ મોદીએ કહ્યું કે જો ચૂંટણી પહેલા આટલી લડાઈ થતી હોય તો તમે કલ્પના કરી શકો છો કે ચૂંટણી બાદ લૂંટ માટે કેટલી લડાઈ થશે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે પરિવારવાદ અને ભ્રષ્ટાચારની ઉધઈ ફેલાવીને દેશને ખોખલો કરી દીધો છે અને આજે દેશ કોંગ્રેસથી નારાજ છે અને આ પાપોની સજા આપી રહ્યો છે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ માટે ખુદ કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે.