રાજ્યની ૨૬ લોકસભા બેઠક માટે ૩૨૮ ઉમેદવારોના ફોર્મ માન્ય.
ગુજરાત રાજ્યની ૨૬ લોકસભા બેઠક અને વિધાનસભાની ખાલી પડેલી ૫ બેઠકો માટે ૭ મી મેના રોજ ચૂંટણી યોજવાની છે. ૧૯ મી એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં લોકસભાની ચૂંટણી માટે ૨૬ બેઠક પર ૪૩૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તો વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ ૩૭ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. લોકસભા બેઠક માટે ફોર્મની ચકાસણીના અંતે ચૂંટણી પંચે ૩૨૮ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા છે. સૌથી વધુ ગાંધીનગર બેઠક પર ૩૦ ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠક પર પેટાચૂંટણી યોજાનાવી છે. પાંચ બેઠકો પર ૩૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૨૭ ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે તે ઉમેદવારો બપોરે ત્રણ વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. જ્યારબાદ ચૂંટણી પંચ દ્વારા બેઠક મુજબ હરીફ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.