દર વર્ષે ૨૩ એપ્રિલના દિવસે વિશ્વભરમાં વિશ્વ પુસ્તક દિવસ અને કોપીરાઈટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે ૨૩ એપ્રિલના દિવસે વિશ્વભરમાં વિશ્વ પુસ્તક દિવસ અને કોપીરાઈટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ પુસ્તક દિવસની ૨૬મી આવૃત્તિની ઉજવણી કરવામાં આવશે. યુનેસ્કોએ ૧૯૯૫ માં પહેલીવાર આ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારથી જ તેની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસની ઉજવણી પાછળ યુનેસ્કોનો વિચાર વિશ્વભરના લોકોને પુસ્તકો વાંચવાની ટેવ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, ખાસ કરીને યુવા વર્ગને. આજના વિશ્વમાં આ દિવસ વધુ મહત્વનો છે, કારણ કે અન્ય સ્ત્રોતોમાંથી માહિતીના ભારણને કારણે પુસ્તકો વાંચવાથી ઘણા લોકો પાછળ રહી ગયા છે. ટેકનોલોજીના આગમનને કારણે આજકાલ મોટાભાગના યુવાનો અને બાળકો પુસ્તકોથી દૂર થઈ ગયા છે. જ્યારે પુસ્તકોને આપણા સમગ્ર જીવનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે.
કેમ ઉજવવામાં આવે છે વિશ્વ પુસ્તક દિવસ
૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવા પાછળનું એક કારણ એ પણ છે કે આ દિવસે ઘણા જાણીતા લેખકોનો જન્મ થયો હતો અને આ દિવસે કેટલાક મહાન લેખકોએ અંતિમ શ્વાસ પણ લીધા હતા. મેન્યુઅલ મેજિયા વલ્લેજો અને મૌરિસ ડૂનનો જન્મ ૨૩ એપ્રિલના રોજ થયો હતો. જ્યારે વિલિયમ શેક્સપિયર, મિગુએલ ડી સર્વેન્ટેસ અને જોસેપ પ્લાયાનું ૨૩ એપ્રિલના રોજ અવસાન થયું હતું. આ કારણે વિશ્વ પુસ્તક દિવસ દર વર્ષે ૨૩ એપ્રિલે ઉજવવામાં આવે છે.
ઉજવણીની અલગ-અલગ રીત
વિશ્વ પુસ્તક દિવસ દરેક દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ પુસ્તકોનું મફતમાં વિતરણ કરવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ લોકોમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. સ્પેનમાં રીડિંગ મેરથોન બે દિવસ ચાલે છે, જે આખી દુનિયામાં ખૂબ લોકપ્રિય છે.
પુસ્તકોને મનુષ્યના સૌથી પ્રિય મિત્ર અને ગુરુ પણ ગણાય છે. મનુષ્યનો બાળપણમાં શાળાથી શરૂ થયેલો અભ્યાસ જીવનના અંત સુધી ચાલુ રહે છે. પરંતુ હવે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની ક્રાંતિથી મનુષ્ય અને પુસ્તકો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં લોકો ઇન્ટરનેટમાં ફસાઇ રહ્યા છે. આ જ કારણસર યુનેસ્કોએ મનુષ્યો અને પુસ્તકો વચ્ચેના અંતરને ઘટાડવા હેતુ ૨૩ એપ્રિલને ‘વિશ્વ પુસ્તક દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. યુનેસ્કોના નિર્ણયથી આ દિવસે સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ બુક ડે’ ઉજવાય છે અને મનુષ્યના જીવનમાં પુસ્તકોનું શું મહત્વ છે તેના વિશે જાગૃતિ અને સમજણ કેળવવામાં આવે છે.