પતંજલિ એડ કેસ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને IMAનો પણ ઉધડો લીધો.
પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતો અંગેના કેસની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટએ આજે કેન્દ્ર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)એ કરેલી કાર્યવાહી અંગે સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પૂછ્યું કે શા માટે સરકારે ડ્રગ્સ એન્ડ મેજિકલ રેમેડીઝ એક્ટનો નિયમ ૧૭૦ રદ કરવામાં આવ્યો? જે દવાઓની “જાદુઈ” ક્ષમતાઓની જાહેરાતો પર પ્રતિબંધ માટે હતો.
આયુર્વેદિક દવાઓ અને પ્રોડક્ટ્સનું વેચાણ કરતી પતંજલિ સહિતની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓને ચકાસવા માટે ૨૦૧૮માં DMRમાં નિયમ ૧૭૦ દાખલ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં, કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે સ્પેશિયલ ટેક્નિકલ બોર્ડના ઇનપુટ્સના આધારે યુ-ટર્ન લીધો હતો અને આ નિયમ હટાવી દીધો હતો. વધુમાં, મંત્રાલયે આ નિયમ હેઠળ કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓને સુચના આપી હતી.
DMR એક્ટના નિયમ ૧૭૦ હેઠળ આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની ઔષધી બનાવતી કંપનીઓને જાહેરાતો ચલાવતા પહેલા રાજ્યની લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી મંજૂરી લેવાનું ફરજીયાત હતું. આજે સુપ્રીમ કોર્ટે રામદેવ અને પતંજલિના સહ-સ્થાપક આચાર્ય બાલકૃષ્ણને મોટી સાઈઝમાં માફીનામું છપાવવા આદેશ આપ્યો હતો. સાથે સાથે કોર્ટે કહ્યું કે “એવું લાગે છે કે પ્રસાશન આવક ગણવામાં વ્યસ્ત હતું.”
કોર્ટે કેન્દ્રને પૂછ્યું “આયુષ મંત્રાલયે તમામ રાજ્યોને નિયમ ૧૭૦ અંગે એક પત્ર મોકલ્યો કર્યો હતો. તમે લખ્યું કે તમે નિયમ પાછો ખેંચવા માંગો છો? રાજ્ય કક્ષાના પ્રધાને સંસદમાં રજૂઆત કરી હતી કે તમે આવી જાહેરાતો સામે પગલાં લીધાં છે. અને હવે તમે કહો છો કે નિયમ ૧૭૦ લાગુ નહીં થાય? શું જયારે કોઈ કાયદાઓ લાગુ હોય ત્યારે તમે કાર્યવાહી રોકી શકો છો? શું આ સત્તાનો દુરુપયોગ અને કાયદાનું ઉલ્લંઘન નથી?”