ભારતીય મહિલાઓ પાસે વિશ્વની પાંચ બેન્કો કરતા વધારે સોનું, પીએમ મોદીએ મંગલસૂત્ર છીનવી લેવાનું નિવેદન એમ જ નથી આપ્યું, તેની પાછળ દેશની અડધી વસ્તીના વોટનું રાજકારણ.
લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા મુદ્દાઓ બદલાઈ ગયા છે. જ્યારથી કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમનો ચૂંટણી ઢંઢેરો રજૂ કરવામાં આવ્યો છે, ત્યારથી નવો વિવાદ છેડાઈ ગયો છે. તે મેનિફેસ્ટો મિલકતના સમાન વિતરણની હિમાયત કરે છે. પરંતુ ભાજપે તેનો અર્થ એવો લીધો છે કે, કોંગ્રેસ લોકોની મહેનતના પૈસા છીનવી લેશે અને બીજામાં વહેંચી દેશે. ક્યાંક તો એવું પણ કહેવાય છે કે કમાણી ‘મુસ્લિમો’માં વહેંચવામાં આવશે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન પણ વિવાદનો વિષય બન્યું છે.
કોંગ્રેસ કહે છે કે, દેશના સંસાધનો પર પહેલો હક મુસ્લિમોનો : પીએમ મોદી
પીએમ મોદીએ એક રેલીમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં પ્રોપર્ટી સર્વે કરાવવાની વાત કરે છે. આપણી બહેનોના ઘરમાં કેટલું સોનું છે, આદિવાસી પરિવારો પાસે કેટલી ચાંદી છે, આ બધી બાબતો કોંગ્રેસ શોધી કાઢશે. જ્યારે આ લોકોને તમામ માહિતી મળી જશે, ત્યારે તે મિલકત સમાન રીતે વહેંચવામાં આવશે. કોંગ્રેસ તો ત્યાં સુધી કહે છે કે, દેશના સંસાધનો પર પહેલો હક મુસ્લિમોનો છે, તેથી આ સંપત્તિ તેઓને વહેંચવામાં આવશે, જેમના વધુ બાળકો છે.
ભારતીય મહિલાઓ પાસે ઘણું સોનું
હવે પીએમ મોદીના આ નિવેદનને લઈને જોરદાર લડાઈ ચાલી રહી છે. પરંતુ તેમના તરફથી એક મોટી વોટ બેંકને પણ સીધું નિશાન બનાવવામાં આવ્યું છે. જો તમે ધ્યાન આપો તો, પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો છે કે, ભારતીય મહિલાઓ પાસે ઘણું સોનું છે. પીએમે મહિલાઓ પાસેથી મંગળસૂત્ર છીનવી લેવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
હવે આ નિવેદન ચોક્કસપણે રાજકારણમાં અર્થ ધરાવે છે, જો આપણે આંકડાઓને સમજીએ તો, દેશની અડધી વસ્તી (મહિલાઓ) પાસે ઘણું સોનું છે અને ઘણી મિલકત તેમના નામે છે. મહિલાઓની બચત કરવાની વૃત્તિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ બની જાય છે.
ભારતમાં મહિલાઓ પાસે કેટલું સોનું છે?
હવે આપણે અહીં કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીએ, ભારતમાં મહિલાઓ પાસે કેટલું સોનું છે? ભારતમાં મહિલાઓ કેટલા પૈસા બચાવે છે? ભારતમાં મહિલાઓના નામે કેટલી મિલકત છે? આ સવાલોના જવાબમાં પીએમ મોદીની રાજનીતિ પણ છુપાયેલી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ દર્શાવે છે કે, ભારતમાં મહિલાઓ પાસે લગભગ ૨૧ હજાર ટન સોનું છે. જો તેની કિંમતની ગણતરી કરવામાં આવે તો આંકડો ૧૦૦ લાખ કરોડ રૂપિયાની આસપાસ આવે છે. મોટી વાત એ છે કે, ભારતીય મહિલાઓ પાસે વિશ્વમાં સૌથી વધુ સોનું છે, ભારતીય મહિલાઓ પાસે વિશ્વની ટોચની ૫ બેંકો પાસે સોનાના ભંડાર કરતાં વધુ સોનું પોતાની પાસે રાખ્યું છે. એ પણ સમજવા જેવું છે કે, ભારતમાં રોકાણ કરવાની આ જૂની આદત છે, અહી વધુ લોકો બેન્ક કરતાં સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
સોનાના નિવેદન પાછળ રાજકરણ
એક રિપોર્ટ દર્શાવે છે કે, હાલમાં ભારતમાં લોકો પાસે જેટલુ સોનું છે અને તેમાંથી ૮૦ % જ્વેલરીના રૂપમાં છે. એટલે કે ભારતીય મહિલાઓ મોટા પ્રમાણમાં સોનાના દાગીના પોતાની પાસે રાખે છે. ભારત જેવા દેશમાં તહેવારો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સોનાના દાગીનાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે અને મહિલાઓમાં તેને લઈને ભાવનાત્મક વાતાવરણ જોવા મળે છે. આ કારણથી પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોની મદદથી મહિલાઓના મંગલસૂત્રનો પણ ઉલ્લેખ કર્યો છે, તેઓ જાણે છે કે, આ એક મંગલસૂત્ર દેશની અડધી વસ્તીને તેમની સાથે સીધી રીતે જોડવાનું કામ કરશે.
જો કે, સોનાને લઈને એક ડેટા એવો પણ છે કે, ભારતના મંદિરોમાં અઢી હજાર ટનથી વધુ સોનું છે, ત્યાં પણ કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં ૧૩૦૦ ટન સોનું છે, તિરુપતિ મંદિરમાં ૨૫૦ થી ૩૦૦ ટન સોનું છે. તિરુપતિ મંદિરમાં ૧૦૦ કિલો સોનું પણ પ્રસાદ તરીકે આવતું રહે છે.