પતંજલિ આર્યુવેદની ભ્રામક જાહેરાતો અંગેના કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટએ ગઈ કાલે પતંજલિ આયુર્વેદ લિમિટેડના કો-ફાઉન્ડર યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી. કોર્ટે તેમને અખબારોમાં મોટી સાઈઝમાં માફીનામું છપાવવા આદેશ આપ્યો હતો. પતંજલિ આયુર્વેદે આજે બુધવારે ૨૪ એપ્રિલના અખબારોમાં બિન શરતી માફીનામું જેહેર કર્યું છે. સુપ્રિમ કોર્ટના અગાઉના નિર્દેશોનું પાલન ન કરવા માટે આજે અખબારોમાં પતંજલિ આયુર્વેદે માફી માંગી છે.
બુધવારના અખબારોમાં એક પાનાંના ચોથા ભાગમાં માફીનામું છાપવામાં આવ્યું છે, જેનું શીર્ષક છે “બિનશરતી જાહેર માફી”. તેમાં લખવામાં આવ્યું છે કે “ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત સમક્ષ ચાલી રહેલા કેસ (રિટ પિટિશન સી. નં. ૬૪૫/૨૦૨૨)ને ધ્યાનમાં રાખીને, અમે, અમારી વ્યક્તિગત ક્ષમતા તેમજ કંપની વતી, બિન-અનુપાલન અથવા આજ્ઞાભંગ બદલ બિન શરતી માફી માગીએ છીએ.”
માફીનામામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, “અમે ૨૨.૧૧.૨૦૨૩ ના રોજ મીટિંગ/પ્રેસ કોન્ફરન્સ યોજવા બદલ દિલગીર છીએ અને અમારી જાહેરાતો પ્રકાશિત કરવામાં ભૂલ માટે અમે દિલથી માફી માંગીએ છીએ અને અમે ખાતરી આપીએ છીએ કે આવી ભૂલ બીજી વાર નહી થાય. અમે નિર્દેશોનું પાલન કરવાનું વચન આપીએ છીએ અને માનનીય અદાલતની સૂચનાઓની યોગ્ય કાળજી રાખીશું તથા અમે અત્યંત પ્રામાણિકતા સાથે અને માનનીય અદાલત/સંબંધિત અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાનું વચન આપીએ છીએ. – પતંજલિ આયુર્વેદ લીમીટેડ, આચાર્ય બાલકૃષ્ણ, સ્વામી રામદેવ, હરિદ્વાર, ઉત્તરાખંડ.”
અગાઉ પણ પતંજલિ એ અખબારોમાં માફીનામું છપાવ્યું હતું, સોમવારે પ્રસિદ્ધ થયેલી જાહેરાત ઘણી નાની હતી અને તેમાં રામદેવ અને બાલકૃષ્ણનું નામ પણ નહોતું.
આ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની બેન્ચે પૂછ્યું હતું કે શું માફીનામું મોટી સીઝમાં પ્રકાશિત કરવામાં આવી છે? શું તેના ફોન્ટ અને કદ તમારી પ્રોડક્ટ્સની જાહેરાતો જેવા જ છે?”
રામદેવ અને બાલકૃષ્ણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું કે ૬૭ અખબારોમાં રૂ. ૧૦ લાખના ખર્ચે માફી છપાવવામાં આવી હતી પરંતુ કોર્ટે કહ્યું કે તમારી પ્રોડક્ટ્સની અગાઉ છપાવવામાં આવેલી જાહેરાતોના કદની જ જાહેરાત છપાવો.
કેસમાં આગામી સુનાવણી ૩૦ એપ્રિલે થશે અને તે દરમિયાન કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને પણ હાજર રહેવા જણાવ્યું છે.
આ મામલો કોવિડના સમયનો છે જ્યારે પતંજલિએ ૨૦૨૧માં કોરોનિલ નામની દવા લોન્ચ કરી હતી. સ્વામી રામદેવે આ દવા વિશે “કોવિડ-૧૯ માટેની સારવાર માટેની પ્રથમ પુરાવા આધારિત દવા” હોવાનો દાવો કર્યો હતો. પતંજલિએ એવો પણ દાવો કર્યો હતો કે કોરોનિલ પાસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું પ્રમાણપત્ર છે, પરંતુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશ(IMA)ને આને જુઠ્ઠાણું ગણાવ્યું હતું.