આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાયો, ૨૦૨૧માં ૩ વર્ષ માટે રવિશંકરને કરાયા હતા નિયુક્ત
કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરનો કાર્યકાળ એક વર્ષ લંબાવ્યો છે. કેન્દ્ર સરકારે ટી. રવિશંકરને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે ૦૩ મે, ૨૦૨૪ થી એક વર્ષ અથવા તો આગળના આદેશો આવે ત્યાં સુધી લંબાવ્યો છે. એક વર્ષ અથવા આગળના આદેશો આ બન્નેમાં જે વહેલું હોય ત્યાં સુધી ટી. રવિશંકરને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે પુનઃનિયુક્ત કર્યા છે.
૨૦૨૧ માં કરાઈ હતી નિમણૂક
કેબિનેટની નિમણૂક સમિતિએ રવિશંકરનો કાર્યકાળ ૩ મે, ૨૦૨૪ થી એક વર્ષ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારે ટી. રવિશંકરને મે ૨૦૨૧ માં ૩ વર્ષ માટે RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ વર્ષ 1990માં RBIમાં જોડાયા હતા અને વર્ષોથી કેન્દ્રીય બેંકમાં વિવિધ હોદ્દા પર રહ્યા છે.
પહેલાં તે રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા
ડેપ્યુટી ગવર્નરના પદ પર પ્રમોટ થતા પહેલાં ટી. રવિશંકર રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા. આ ઉપરાંત, તેમણે ૨૦૦૫ – ૧૧ થી સરકારી બોન્ડ માર્કેટ અને ડેટ મેનેજમેન્ટ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. રવિશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમફિલની ડિગ્રી મેળવી છે.