
દિલ્હીની તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અને તબીબી સારવાર અંગે ઉભા થયેલા વિવાદ બાદ, AIIMSના ૫ ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. કોર્ટના આદેશ બાદ ૨૩ એપ્રિલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ ડૉક્ટર નિખિલ ટંડન મેડિકલ બોર્ડનું નેતૃત્વ કરી રહ્યા છે. નિખિલ ટંડનને તિહાર જેલના ડીજીના પત્ર પર અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એઈમ્સમાંથી પહેલેથી જ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલને સોમવાર ૨૨ એપ્રિલથી દરરોજ લંચ પહેલા ૨ યુનિટ લો-ડોઝ ઇન્સ્યુલિન અને રાત્રે જમતા પહેલા ૨ યુનિટ ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ હજુ સુધી મેડિકલ બોર્ડને મળ્યા નથી. ટૂંક સમયમાં મેડિકલ બોર્ડની ટીમ તિહાર જેલમાં જઈને કેજરીવાલનું ચેકઅપ કરી શકે છે.
તિહાર જેલના ડૉક્ટરો દરરોજ અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ ચેક કરે છે અને તેમની દેખરેખ રાખે છે. કેજરીવાલને કોર્ટના આદેશ મુજબ માત્ર ઘરે બનાવેલું ભોજન આપવામાં આવી રહ્યું છે. હાલમાં અરવિંદ કેજરીવાલની તબિયત સારી છે.