કાનપુરના ગેંગસ્ટર વિકાસ દુબે પર બનતી વેબ સિરીઝ ‘બિકરુ કાનપુર ગેંગસ્ટર’ને ઉત્તર પ્રદેશમાં શૂટિંગ કરવાની પરવાનગી મળી નહીં. આ વાત ફિલ્મના કો-ડિરેક્ટર નીરજ સિંહે કહી હતી. નીરજે કહ્યું હતું કે તેમને એવું કહેવામાં આવ્યું કે આ એક વિવાદિત કેસ છે. શરદ શ્રીવાસ્તવ પણ ડિરેક્ટ કરે છે. નિમય બાલી લીડ રોલ પ્લે કરી રહ્યો છે.
નીરજે વધુમાં કહ્યું હતું કે તેમણે આગ્રા તથા મથુરામાં શૂટિંગ કર્યું છે. તેઓ શૂટિંગ માટે કાનપુર પણ ગયા હતા પરંતુ તેમને પરવાનગી મળી નહીં. હવે તેઓ અન્ય જગ્યાએ શૂટિંગ કરશે.
ધમકી ભર્યા ફોન પણ આવ્યા
નીરજે કહ્યું હતું કે તેમને કેટલાંક લોકોએ ફોન પર ધમકી આપી હતી. જોકે, તે એ કહી શકે તેમ નથી કે આ મજાક હતી કે પછી ગેંગસ્ટરના ગુંડા. જોકે, તેઓ પ્રોડ્યૂસરની મદદથી સિરીઝ પૂરી કરશે.