લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ વિશેના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ બીજેપી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. હવે ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય એક નિવેદન માટે રાહુલ ગાંધીને માફી માંગવાની વાત કરવા લાગ્યા છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોતમ રૂપાલના રાજપૂત સમાજ વિશેના નિવેદનનો વિવાદ હજી શાંત પડ્યો નથી. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. મતદાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ નેતાઓના નિવેદનબાજીને લઇને પણ વિવાદો ઊભા થવા લાગ્યા છે. દરેક રાજકીય પક્ષના નેતા બીજાની માફી માંગવાની વાત કરી રહ્યા છે. હાલમાં જ બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય એક નિવેદન માટે રાહુલ ગાંધીને માફી માંગવાની વાત કરવા લાગ્યા છે.
હકીકતમાં ભાજપ નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજપૂત સમાજ વિશે કરેલા નિવેદનનો વીડિયો શેર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને રાજપૂત સમાજની તાત્કાલિક માફી માંગવાની માંગ કરી છે. તેમણે કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની ૨૪ સેકન્ડની વીડિયો ક્લિપ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે.

રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરી
આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, “રાજાઓ મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઇચ્છે તે કરતા હતા, તેમને કોઈની જમીન જોઈતી હતી, તેઓ તેને ઉપાડીને લઈ જતા હતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી મેળવી, લોકતંત્ર લઇને આવ્યા અને દેશ માટે સંવિધાન મેળવ્યું. “
ભાજપ સામે રાજપૂત સમાજનો વિરોધ
રાજપૂત સમાજે રાહુલ ગાંધીના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. રાજપૂત સમાજે રાહુલ ગાંધીના આ નિવેદનને અપમાનજનક ગણાવ્યું છે અને તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. ક્ષત્રિય સમાજે રાહુલ ગાંધીના નિવેદનોની કડક નિંદા કરી હતી અને આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરી છે. તો બીજી તરફ ભાજપનો પણ વિરોધ થઇ રહ્યો છે.
દરરોજ અનેક જગ્યાએ રાજપૂત સમાજના સભ્યોએ સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ભાજપના ચૂંટણી પ્રચારના કાર્યક્રમોના વિરોધમાં દેખાવો કર્યા હતા. આવા વિરોધ પ્રદર્શનથી જામનગર, સાબરકાંઠા, પાટણ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અન્ય સ્થળોએ ભાજપનો પ્રચાર ખોરવાયો છે. ભાજપ હવે તેના ટ્રમ્પ કાર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અપેક્ષા રાખી છે. તમને જણાવી દઇયે કે, આગામી ૧ અને ૨ મેના રોજ ગુજરાતમાં ૬ રેલી અને ૧ રોડ શો કરવાના છે.

પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ
તમને જણાવી દઇયે કે, ગુજરાત રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા ની રાજપૂત સમાજ વિશે વિવાદિત ટિપ્પણીને લઇને વિવાદ ઉભો થયો હતો. તેમના આ નિવેદનથી ક્ષત્રિય (રાજપૂત) સમાજ ઉગ્ર વ્યાપક વિરોધ દર્શન ચાલુ રહ્યું છે. રૂપાલાએ કહ્યું હતું કે, અગાઉના રાજાઓ અને રાજવાડાઓએ વસાહતી બ્રિટિશરો સાથે મિત્રતા કરી હતી, રોટલી તોડી હતી અને તેમની સાથે વૈવાહિક સંબંધો બનાવ્યા હતા.
રૂપાલાએ આ ટિપ્પણી બાદ અનેક વખત માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર નથી. રૂપાલાની ટિકિટ કરવા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાં અને શહેરોમાં ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને પાર્ટી વિરુદ્ધમાં મતદાન કરવાની અપિલ કરી રહ્યા છે. અત્યાર સુધી સરકાર, શાસક પક્ષના નેતાઓ અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ વચ્ચે અનેક બેઠકો થવા છતાં આ વિવાદનો ઉકેલ આવ્યો નથી.