સુરત લોકસભા બેઠક બાદ મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠકથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર બેઠકથી પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ માહિતી આપી છે.
અક્ષય કાંતિ બમે ભાજપના નેતા સાથે સેલ્ફી પડાવી
ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી પડાવી કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘ઈન્દોર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.’
૨૯મી એપ્રિલ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ
ઉલ્લેખનીય છે કે, ઈન્દોર લોકસભા બેઠક પર ચૂંટણી માટે ૨૫મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આજે (29મી એપ્રિલ) ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં ૧૩મી મેના રોજ મતદાન થશે.