વૈશ્વિક અને સ્થાનીય સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અંતે ૯૪૧.૧૨ પોઈન્ટ ઉછળી ૭૪૬૭૧.૨૮ પર, જ્યારે નિફ્ટી ૨૨૩.૪૫ પોઈન્ટ ઉછાળા સાથે ૨૨૬૪૩.૪૦ પર બંધ રહ્યો હતો. શેરબજારની આ તેજી બેન્કિંગ ખાસ કરીને ખાનગી બેન્કોના શેરોને આભારી રહી હતી.
બીએસઈ ખાતે આજે રૂ. ૪૦૬.૪૭ લાખ કરોડની માર્કેટ કેપ નોંધાઈ છે. જે શુક્રવારે રૂ. ૪૦૪ લાખ કરોડ સામે રોકાણકારોની મૂડીમાં રૂ. ૨.૫ લાખ કરોડનો વધારો દર્શાવે છે. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ ૪૦૮૮ માંથી ૨૦૧૫ માં સુધારો અને ૧૮૯૪ માં ઘટાડો નોંધાયો હતો. ૨૮૪ શેરો વર્ષની ટોચે અને ૧૧ વર્ષના તળિયે પહોંચ્યા હતા.
એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતની મોટાભાગની બેન્કોના શેર આજે તેજી સાથે વધી વર્ષની ટોચે પહોંચ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ ઈન્ટ્રા ડે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ ૦.૮ %ના ફ્લેટ સુધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે મેટલ, હેલ્થકેર, પાવર, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ ૦.૪-૨ % સુધર્યા હતા.