કોરોના મહામારીથી બચવા માટે કોવિશિલ્ડ વેક્સીન આપવામાં આવી હતી, ત્યારે ૪ વર્ષ બાદ એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું કે, કોવિડ-૧૯ વેક્સીનમાં લોહી ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે.

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સીન લોકોને કોરોના મહામારી દરમિયાન બીમાર થવાથી બચાવવા માટે આપવામાં આવી હતી. આ વેક્સીન ભારતમાં અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. આ પછી, ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને આ વેક્સીન આપવામાં આવી હતી. મહામારીના લગભગ ૪ વર્ષ પછી, એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, કોવિડ-૧૯ વેક્સીનમાં લોહી ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે.
AstraZeneca એ સ્વીકાર્યું કે, તેમની કોરોના વેક્સીન, જે વિશ્વભરમાં Covishield અને Vaxjavria નામથી વેચાતી હતી. લોહી ગંઠાવા સહિત લોકોમાં ઘણી આડઅસર થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે હાર્ટ એટેક, મગજનો સ્ટ્રોક અને પ્લેટલેટ ઘટાડી શકે છે. જો કે, વેક્સીન ના કારણે થતી આડઅસર સ્વીકાર્યા પછી પણ, કંપની તેના કારણે થતા રોગો અથવા ખરાબ અસરોના દાવાનો વિરોધ કરી રહી છે.
ટીટીએસ શું છે?
થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) શરીરમાં લોહી ગંઠાવાનું કારણ બને છે. આ લોહીના નાના ગઠ્ઠા રક્તવાહિનીઓને અવરોધિત કરી શકે છે. જેના કારણે શરીરના બાકીના ભાગમાં લોહી પહોંચી શકતું નથી. આનાથી કોઈ પણ વ્યક્તિને બ્રેઈન સ્ટ્રોક અને કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ એટેક) આવવાની શક્યતા વધી જાય છે. વધુમાં, આ સિન્ડ્રોમ શરીરમાં પ્લેટલેટ્સની માત્રામાં ઘટાડાનું કારણ બને છે.
મામલો કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?
બ્રિટનમાં જેમી સ્ટોક નામની વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા કંપની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમનું કહેવું છે કે, એસ્ટ્રાઝેનેકા વેક્સીન નું ઇન્જેક્શન લીધા બાદ તેમના મગજને નુકસાન થયું છે. તેમની જેમ અન્ય ઘણા પરિવારોએ પણ આ વેક્સીનની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદો કરી છે. તેમનું કહેવું છે કે, આ રસી લીધા બાદ તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિવારો હવે વેક્સીન અંગે તેમને પડતી સમસ્યાઓ માટે વળતરની માંગ કરી રહ્યા છે.
AstraZeneca-Oxford વેક્સીન સલામતીના કારણોસર યુકેમાં હવે ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, આ કંપનીએ આ વેક્સીન થી થતી દુર્લભ આડઅસરોનો પણ સ્વીકાર કર્યો છે. આ મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. જો કોર્ટ અરજદારોનો દાવો સ્વીકારે તો કંપનીને મોટી રકમ ચૂકવવી પડી શકે છે.