રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ચાર શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ મચી ગાયો છે. દિલ્હીના સાકેતમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ, વસંત કુંજમાં આવેલી DPS, DAV સાઉથ વેસ્ટ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને સાકેતની એમિટી સ્કૂલ સહીત ૧૨ શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આજે બુધવારે સવારે ઈમેલ અને કોલ દ્વારા બોમ્બ અંગે જાણ કરવામાં આવી હતી, આ અંગેની માહિતી મળતા જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા સુરક્ષાના તમામ પગલાંઓને ધ્યાનમાં રાખીને તામામ શાળાના સમગ્ર પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. શાળાના પરિસરોને ખાલી કરાવવામાં આવ્યા છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. દિલ્હીની આ શાળાઓમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મંગળવારથી બુધવારની સવાર સુધી ઘણી જગ્યાએ એક જેવા જ ઈમેલ મોકલવામાં આવ્યા છે, જે એક પેટર્ન હોવાનું જણાય છે. ઈ-મેલમાં ડેટ લાઈન પણ લખેલી નથી અને ઈ મેઈલમાં BCC નો ઉલ્લેખ છે. મતલબ કે એક જ મેઇલ ઘણા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલવામાં આવ્યા છે.
પોલીસનું કહેવું છે કે શાળા પરિસરમાં બાળકો, ટીચિંગ, નોન-ટીચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેમ્પસમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી પોલીસને કંઈ મળ્યું નથી.
નોંધનીય છે કે અગાઉ પણ દિલ્હીની કેટલીક શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી હતી. જો કે, મોટા ભાગના કિસ્સાઓમાં આવી ધમકી પોકળ સાબિત થઇ હતી.
મંગળવારે સવારે પણ દિલ્હીની ચાચા નેહરુ હોસ્પિટલને બોમ્બની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. જો કે તપાસ દરમિયાન આ ધમકી પોકળ સાબિત થઈ હતી. પોલીસે જણાવ્યું કે હોસ્પિટલના એક કર્મચારીને સવારે ૧૦:૦૦ વાગ્યે ઈમેલ મળ્યો, જેના પગલે બોમ્બ ડિટેક્શન ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, દિલ્હી ફાયર સર્વિસની એક ટીમ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચી હતી. જોકે ત્યાંથી કંઈ મળ્યું ન હતું.