લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે કોગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી. હિમાચલ પ્રદેશની કાંગડા લોકસભા સીટથી આનંદ શર્મા ચૂંટણી લડશે.

કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ બબ્બરને હરિયાણાની ગુરુગ્રામ સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ હિમાચલ પ્રદેશની કાંગડા લોકસભા સીટથી આનંદ શર્માના નામની જાહેરાત કરી છે.
મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી રહી ચૂકેલા આનંદ શર્મા લાંબા સમયથી રાજ્યસભાના સભ્ય છે. રાજ્યસભાનો તેમનો કાર્યકાળ એપ્રિલ ૨૦૨૨ માં પૂર્ણ થયો હતો. જોકે તે પછી કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા ન હતા. કોંગ્રેસ પાર્ટીએ આ બે દિગ્ગજો ઉપરાંત હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા સીટથી સતપાલ રાયજાદા અને મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ સીટ પરથી ભૂષણ પાટીલના નામની જાહેરાત કરી છે.
કોંગ્રેસના આ ઉમેદવારો સાથે કોણ સ્પર્ધા કરશે?
રાજ બબ્બર ગુરુગ્રામ લોકસભા બેઠક પરથી ભાજપના રાવ ઇન્દ્રજીત સિંહ સામે ચૂંટણી લડશે. રાવ ઇન્દ્રજીત સિંહે ગુરુગ્રામ બેઠક પરથી સતત ત્રણ લોકસભા ચૂંટણી જીતી છે. હમીરપુર લોકસભા સીટથી સતપાલ રાયજાદા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે ચૂંટણી લડશે.
કાંગડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આનંદ શર્માનો મુકાબલો ભાજપના ડો. રાજીવ ભારદ્વાજ સામે થશે. મુંબઈ નોર્થથી કોંગ્રેસના ઉમેદવાર ભૂષણ પાટીલ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સામે ટકરાશે.
રાજ બબ્બરને યુપીથી હરિયાણા શિફ્ટ કરવામાં આવ્યા
દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવેલા રાજ બબ્બર અત્યાર સુધી ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય હતા. આ પહેલીવાર છે જ્યારે રાજ બબ્બર હરિયાણાની કોઈ બેઠક પરથી ચૂંટણી લડશે. કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાના લોબિંગ પર તેમને ગુરુગ્રામથી ટિકિટ આપવામાં આવી છે.
રાજ બબ્બર યુપી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ આગ્રા, ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, ગાઝિયાબાદ અને લખનઉથી પણ લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે.