‘હું મારી ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીને રહીશ’.
લોકસભા ચૂંટણીના ધમધોકાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. આજે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ જાહેરસભાને મા અંબાના જયકારથી સંબોધન શરૂ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, તમામ લોકો ૨૦૧૯માં માનતા હતા કે બીજી વખત સરકાર નહીં આવે, પરંતુ તમે મને બીજી વખત તક આપી અને હું ફરી દેશની સેવામાં લાગી ગયો. વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં હું મારા ૨૦-૨૫ વર્ષના અનુભવ લઇને આવ્યો છું. મેં દેશની ૧૦ વર્ષ સેવા કરી છે. મેં દેશના સામાર્થ્યને જાણ્યું છે. હું તે સામર્થ્યનો પૂજારી બની ગયો છું અને આ જ કારણે હું ગેરન્ટી લઇને આવ્યો છું. ગેરન્ટી આપવા માટે હિંમત જોઇએ. મારી ગેરન્ટી છે. આવનારી મારી ત્રીજી ટર્મમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ૨૦૧૪ પહેલા ભ્રષ્ટાચારના જ સમાચાર મળતા હતા અને દેશ નિરાશામાં ડૂબેલો હતો, પરંતુ અમે દેશ માટે મહેનત કરવામાં કોઈ કચાસ છોડી નથી. આમ છતાં ૨૦૧૯માં અમારી સરકાર ન બને તે માટે તમામ પ્રયાસો કરાયા છે. હવે હું દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું, ગેરંટી હિંમતથી આપી છે. હિંદુસ્તાન દેશનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. નવી સરકારનો પ્લાન તો અત્યારથી જ તૈયાર છે.