ગાંધી આશ્રમ LIVE:આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ, હરિહરન-ઝુબિન નોટિયાલે દાંડી યાત્રાના સોંગ્સ પર પર્ફોર્મ કર્યું, મોદી થોડીવારમાં સંબોધન કરશે

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ બોલિવૂડ સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે પર્ફોર્મન્સ કર્યું હતું. હાલ તેઓ સ્ટેજ પર આવી ગયા છે અને થોડીવારમાં સંબોધન કરશે.

હાલ પીએમ મોદી સાથે મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી.આર.પાટીલ પણ ઉપસ્થિત છે. જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નોટિયાલે દાંડી યાત્રા માટેનું ગીત ગાયું હતું.

ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી
આ પહેલા મોદી સવારે 10.30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેઓ ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં આવ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ પીએમ મોદીએ માસ્ક ઉતાર્યું હતું. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું.

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ આવ્યા
હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ વિશે હાલ મારે કઈ કહેવું નથી. વિરોધ કરવાનો આ મુદ્દો નથી. દેશને આઝાદ કરાવવામાં ફાળો આપનારા મહાપુરુષોના સન્માનના કાર્યક્રમમાં આવ્યા છીએ. યુવા પેઢીએ ચોક્કસ મહાત્મા ગાંધીના જીવનચર્યા અંગે શીખવાની આવશક્યતા છે.

ડોમ ફૂલ થતા લોકોને પરત મોકલ્યા, પોલીસે સમજાવટ કરી
સભાનો ડોમ હાઉસફૂલ થતા સાણંદ, તલોદ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી અમૃત મહોત્સવમાં ભાગ લેવા આવેલા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. જેને પગલે કેટલાક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસ સાથે બોલચાલી કરી હતી. એક કાર્યકરે કહ્યું કે ધારાસભ્યને ફોન કરો જવા જ નથી દેતા તો અમને આમંત્રણ કેમ આપ્યું હતું. સાબરકાંઠાથી આવેલા 50થી 60 લોકોને અભયઘાટના ગેટથી જ પરત મોકલ્યા હતા. જેને પગલે પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા.

મધ્ય પ્રદેશ અને તમિલનાડુથી લોકો આવ્યા
દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે.અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી રહ્યા છે. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *