લોકસભા ચૂંટણ ૨૦૨૪માં ભાજપ સામે મજબૂત રીતે મેદાનમાં હોવાનો દાવો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે હાલની સ્થિતિ ચિંતાજનક છે. ચૂંટણીમાંથી ઉમેદવારો ખસી જવાના કારણે નુકસાન વધી રહ્યું છે.

લોકસભાની ચૂંટણી ૨૦૨૪માં ભાજપને પડકાર ફેંકી રહેલી કોંગ્રેસના ઉમેદવારો એક પછી એક મેદાનમાંથી ખસી રહ્યા છે. ભાજપને તેનાથી ફાયદો થઇ રહ્યો છે. ક્યાંક ઉમેદવારે નાણાંના અભાવે ચૂંટણી લડવાની ના પાડી તો ક્યાંક ટેકેદારોની સહીઓ ન હોવાના કારણે ઉમેદવારી પત્ર નામંજૂર કરવામાં આવ્યું. એક જગ્યાએ ઉમેદવારે કોઈ મોટું કારણ વગર જ પીછેહઠ કરી હતી.
સુરતમાં નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર નામંજૂર
કોંગ્રેસે આને ભાજપની ચાલાકી ગણાવી હતી. કોંગ્રેસને સૌથી પહેલો ફટકો ગુજરાતના સુરતમાં લાગ્યો હતો. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં ટેકેદારોની સહીમાં કથિત ગેરરીતિ બદલ નામંજૂર કરવામાં આવ્યુ હતુ. ટેકેદારોએ પોતે સોગંદનામું આપીને કબૂલ્યું હતું કે તેમની નકલી સહી કરવામાં આવી છે.

ઈન્દોરમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ સીટ ન જીતી શકી
બીજો આંચકો ઇન્દોરમાં લાગ્યો હતો. ત્યાં પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. તેમના વિશે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ ભાજપના દબાણમાં આવીને પાછળ ખસી ગયા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જો કે ઈન્દોર સીટ પર કોંગ્રેસ પાર્ટીને નબળી ગણાવવામાં આવી રહી હતી.
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અહીંથી એક પણ બેઠક જીતી શકી નહોતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવતું હતું કે વિજય ભાજપનો જ થશે. હવે કોંગ્રેસના ઉમેદવારનું નામ પરત ખેંચવાથી ભાજપનો માર્ગ સરળ બન્યો છે. જો કે, કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ ભાજપની ગભરાટની નિશાની છે. આથી તે જીત માટે અન્ય પક્ષોના ઉમેદવારોને જબરદસ્તી પીછેહઠ કરવાની કરવાની ફરજ પડી રહી છે.
પુરીમાં ઉમેદવારે કહ્યું – ટોચના નેતાએ ફંડની અછતની વાત ન સાંભળી
કોંગ્રેસને તાજેતરમાં ફટકો ઓડિશાના પુરીમાં પડ્યો છે. શુક્રવારે કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટી તરફથી ફંડના અભાવે ચૂંટણી લડવી મુશ્કેલ બની ગઈ છે. જેથી તેઓએ ટિકિટ પરત કરી હતી. તેમણે કહ્યું કે તેમણે ટોચના નેતાઓ પાસેથી ફંડની માંગણી કરી હતી પરંતુ તેમને કશું મળ્યું નથી. આવી સ્થિતિમાં, ચૂંટણી પ્રચાર શક્ય ન હતો. ભાજપે પુરી લોકસભા બેઠક પરથી પોતાના રાષ્ટ્રીય પ્રવક્તા સામ્બિતા પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બીજુ જનતા દળ (બીજેડી)એ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર અરૂપ પટનાયકને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસ ના પૂર્વ સાંસદ બ્રિજમોહન મોહંતીની પુત્રી સુચરિતાએ શુક્રવારે કોંગ્રેસના મહાસચિવ કે.સી.જોશી સાથે મુલાકાત કરી હતી. વેણુગોપાલને મોકલેલા ઈમેલમાં તેમણે દાવો કર્યો છે કે પુરી લોકસભા ક્ષેત્રમાં તેમના પ્રચાર અભિયાન પર ખરાબ અસર પડી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ઓડિશાના પ્રભારી અજોય કુમારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેઓ પોતાના દમ પર ચૂંટણી લડે. “હું એક પગારદાર પત્રકાર હતો અને ૧૦ વર્ષ પહેલાં ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ્યો હતો. મેં પુરીમાં પ્રચાર માટે મારું બધું જ આપી દીધું. મેં પ્રગતિશીલ રાજકારણ માટેના મારા અભિયાનના સમર્થનમાં દાન અભિયાન ચલાવવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ હજી સુધી ઓછી સફળતા મળી છે. મેં અભિયાનના અંદાજિત ખર્ચને ઓછામાં ઓછો રાખવાનો પણ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. “
ભાજપ સામે જોરદાર રીતે મેદાનમાં હોવાનો દાવો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે હાલ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ગઠબંધનના કારણે તમામ બેઠકો પર પહેલેથી જ પાર્ટી મેદાનમાં નથી આવી સ્થિતિમાં ચૂંટણીમાંથી ઉમેદવારો ખસી જવાના કારણે નુકસાન વધી રહ્યું છે.