ઝારખંડમાં EDનો સપાટો

મંત્રી PSના નોકરના ઘરેથી મળી આવ્યો કુબેરનો ખજાનો.

રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા ઝારખંડથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. પ્રાથમિક વિગતો મુજબ EDએ નોકરના ઘરેથી લગભગ ૨૦-૩૦ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ સિવાય આ જ ઘરમાં અન્ય એક જગ્યાએથી પણ ૩ કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન આલમગીર આલમનું નામ સામે આવ્યું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને માહિતી મળી હતી કે, આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. જે બાદ મંત્રીના ખાનગી સચિવના નોકર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે EDના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને અંદાજ ન હતો કે ૧૫,૦૦૦ રૂપિયા પગાર મેળવનાર વ્યક્તિના ઘરેથી આટલી રોકડ મળી આવશે. જો કે હવે અધિકારીઓએ નોટ ગણવાના મશીન અને કર્મચારીઓને બોલાવ્યા છે.

વિગતો મુજબ ગયા વર્ષે મે મહિનામાં EDએ ૧૦,૦૦૦ રૂપિયાની લાંચના મામલે ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી આ રોકડ મળી આવી છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. ગોડ્ડાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ યાદવ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રૂ. ૩૦ કરોડથી વધુ અને ગણતરી ચાલુ છે… આજે, EDએ કોંગ્રેસ વિધાયક દળના નેતા અને ઝારખંડ સરકારના ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ સામે મોટી કાર્યવાહી કરી છે. EDને સંજીવ લાલના ઘરેથી ૩૦ કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી છે. પ્રદીપ યાદવની પાર્ટીની વાર્તા…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *