૧૨ વર્ષ બાદ કરશે અવકાશ યાત્રા.
ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ ઈતિહાસ રચવા જઈ રહી છે. તેઓ ફરી એકવાર અવકાશ માટે ઉડાન ભરશે. સુનિતા વિલિયમ્સ બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટથી અવકાશ જશે. તેમની સાથે બુચ વિલ્મોર પણ હશે.
અમેરિકન સ્પેસ એજન્સી NASAના અનુસાર, આ સ્પેસક્રાફ્ટ ભારતીય સમય અનુસાર, ૭ મેના રોજ સવારે ૦૮:૦૪ મિનિટે લોન્ચ થશે. તેને કૈનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર લગભગ એક અઠવાડિયા સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે. સુનિતા વિલિયમ્સે આ અંગે કહ્યું કે, જ્યારે હું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચીશ તો એ ઘરે પરત જવા જેવું હશે.
બોઈંગ સ્ટારલાઇનર દ્વારા પહેલીવાર અવકાશ યાત્રીને સ્પેસ લઈ જવાઈ રહ્યા છે. આ પહેલા ૨૦૧૯માં Boe-OFT અને ૨૦૨૨માં Boe-OFT૨ લોન્ચ કરાયું હતું. સ્ટારલાઇનર મિશન પર એક અરબ ડૉલરથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.
જો આ મિશન સફળ રહેશે તો તેને અવકાશ ક્ષેત્રનું મોટું પગલું માનવામાં આવશે. ૨૦૧૧માં નાસાએ પોતાની સ્પેસ શટલ ફ્લીટને રિટાયર કરી દીધી હતી. ત્યારબાદ નાસાએ કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જે હેઠળ એલન મસ્કની કંપની સ્પેસએક્સ અને બોઈંગ સ્પેસક્રાફ્ટ બનાવી રહી છે.
મિશન સફળ થવા પર બોઈંગ સ્ટારલાઇન એરક્રાફ્ટને સ્પેસ મિશન માટે ઓથોરાઇઝ્ડ પણ કરી દેવાશે. આ પહેલા ૨૦૨૦માં સ્પેસએક્સના એરક્રાફ્ટે અવકાશ યાત્રીઓને મોકલ્યા હતા.
ત્રીજી વખત અવકાશમાં જશે સુનીતા વિલિયમ્સ
૫૯ વર્ષની સુનિતા વિલિયમ્સ અત્યાર સુધીમાં બે વખત અવકાશ યાત્રા કરી ચૂકી છે. આ પહેલા તે ૨૦૦૬ અને ૨૦૧૨માં અવકાશ જઈ ચૂકી છે. નાસાના અનુસાર, તેમણે અવકાશમાં કુલ ૩૨૨ દિવસ વિતાવ્યા છે.
૨૦૦૬માં સુનીતાએ અવકાશમાં ૧૯૫ દિવસ અને ૨૦૧૨માં ૧૨૭ દિવસ વિતાવ્યા હતા. ૨૦૧૨ના મિશનની ખાસ વાત એ હતી કે સુનિતાએ ત્રણ વખત સ્પેસ વૉક કર્યું હતું. સ્પેસ વૉક દરમિયાન અવકાશ યાત્રી સ્પેસ સ્ટેશનની બહાર આવે છે. જોકે, પહેલીવાર યાત્રા દરમિયાન તેમણે ચાર વખત સ્પેસ વૉક કર્યું હતું.
સુનિતા વિલિયમ્સ અવકાશની યાત્રા કરનારી ભારતીય મૂળની બીજી મહિલા છે. તેમના પહેલા કલ્પના ચાવલા અવકાશમાં જઈ ચૂક્યા હતા.