‘તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?’ તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આ ગંભીર આરોપ લગાવ્યા હતા.
વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે. તમારે દેશને જવાબ આપવો પડશે.’
‘તેલંગાણાની સ્થાપના સમયે અહીંના લોકોએ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ તેમણે લોકોના સપનાં તોડી નાખ્યા. કોંગ્રેસનો પણ ઈતિહાસ આવો જ છે. આઝાદી પછી કોંગ્રેસે પણ એવું જ કર્યું હતું. દેશ ડૂબી જાય તો ડૂબી જાય, પણ તેના પરિવારને કોઈ ફરક પડતો નથી. ફેમિલી ફર્સ્ટની નીતિને કારણે કોંગ્રેસે પી.વી. નરસિમ્હા રાવનું અપમાન કર્યું. તેમના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવા પણ ના દેવાયો. જો કે ભાજપ સરકારે પી. વી. નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.