લોકોને તો કલમ ૩૭૦ હટવામાં પણ વિશ્વાસ ન હતો.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) અંગે તેમની સરકારની પ્રતિબંધિતતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર POKને ભારત પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ પ્રધાન દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે મોદી સરકારે ભારતીય બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી. એ સમયે લોકોને વિશ્વાસ પણ નહોતો બેઠો અને લોકોની એવી માન્યતા હતી કે બંધારણની કલમ ૩૭૦ તો જ ક્યારેય રદ થઈ શકે જ નહીં, પરંતુ મોદી સરકારે એ અશક્યને શક્ય કરી બતાવ્યું.
વિદેશપ્રધાને જણાવ્યું હતું કે આ એક એવી બાબત છે જે આપણે સ્વીકારવી પડશે આપણે એમ જ માની લીધું હતું કે આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરી શકાતો નથી હવે આપણે જ્યારે એને નાબૂદ કરી દીધો છે ત્યારે સમગ્ર જમીની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
‘હું POKના સંદર્ભમાં એટલું જ કહી શકું છું કે સંસદમાં એક ઠરાવ છે અને દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે POK એ ભારતનો ભાગ છે અને તે ભારતમાં પરત આવશે જ. લોકો હવે સમજે છે કે POK પણ મહત્વપૂર્ણ છે.
આ પહેલા રવિવારે વિદેશ પ્રધાને જાહેરાત કરી હતી કે POK ક્યારે ભારતની બહાર નહીં જાય. ઓડિશામાં એક કાર્યક્રમમાં એક સવાલનો જવાબ આપતા જયશંકરે જણાવ્યું હતું કે પીઓકે ક્યારેય આ દેશની બહાર નથી રહ્યો. તે આ દેશને એક ભાગ છે અને સંસદમાં ઠરાવ પસાર થયો છે કે POK સંપૂર્ણપણે ભારતનો ભાગ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિશ્વ ભારત પર નજીકથી નજર રાખી રહ્યું છે, કારણ કે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં આપણે ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી થોડા ઓછા છીએ. ટૂંક સમયમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચીને ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની જઈશું અને ટૂંક સમયમાં જ ભારત ૩૦ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની જશે. જયશંકરે એમ પણ કહ્યું હતું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રભાવશાળી વૃદ્ધિ અને સિદ્ધિ હાંસલ કરી છે અને વિશ્વના નેતાઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.