૧૭૦થી વધુ ગુજરાતીને લઈને જતું વિમાન જમૈકામાં રોકી દેવાયું.
વિદેશ જવાની લ્હાયમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કોઈ પણ હદે જઈ શકે છે એવું ફરી એકવાર સાબિત થઈ ગયું છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતા ભારતીયોનું એક વિમાન જમૈકા એરપોર્ટ રોકી દેવાયું હતું. આ શંકાસ્પદ વિમાનમાં કુલ ૨૫૩ મુસાફર હતા, જેમાં ૧૭૦થી વધુ ભારતીય હતા. એવું કહેવાય છે કે, આ વિમાનમાં મોટા ભાગના ગુજરાતીઓ અને પંજાબીઓ હતા, જ્યારે બીજા અન્ય દેશના હતા. આ ઘટના પછી તમામ મુસાફરોને એક હોટલમાં રખાયા છે, જ્યાં તેમની પૂછપરછ ચાલુ છે.
ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની ફિરાકમાં હતા!
પ્રાથમિક અહેવાલો પ્રમાણે બીજી મેના રોજ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં નોર્મન મેન્લી એરપોર્ટ પર એક વિમાન ઉતર્યું હતું. એરપોર્ટ અધિકારીઓને શંકા જતાં આ વિમાનની તપાસ કરાઈ હતી. આ તમામ મુસાફરો અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની ફિરાકમાં હતા. આ વિમાન દુબઈ અને ઈજિપ્તના કેરો એરપોર્ટ પર પણ રોકાયું હતું, જ્યાંથી ઉઝબેકિસ્તાનના પ્રવાસીઓ પણ તેમાં બેઠા હતા. બાદમાં આ વિમાન જમૈકા પહોંચ્યું હતું. જો કે, જમૈકા એરપોર્ટ પર આ વિમાનને લેન્ડ કરવાની કોઈ મંજૂરી ન હતી. એટલું જ નહીં, વિમાનના ક્રૂ પાસે કોઈ દસ્તાવેજો પણ ન હતા. આ કારણસર જમૈકા ઓથોરિટી હરકતમાં આવી હતી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ ઘટનામાં ગુજરાતના ચાર એજન્ટના પણ નામ ખૂલ્યાનું કહેવાય છે. જો કે, અમેરિકામાં લોકોને ગેરકાયદે ઘૂસાડવા સક્રિય આ ચારેય એજન્ટો ફક્ત ઉપનામથી જાણીતા છે. હાલ આ લોકોની કોઈ વધુ વિગત મળી શકી નથી.