સ્વાતિ માલીવાલ કેસના અત્યાર સુધીના તમામ સમાચાર, આપ નેતા અરવિંદ કેજરીવાલના પીએ બિબવ કુમાર પર હુમલાનો આરોપ છે, તો જોઈએ આ કેસ વિશે બધુ જ.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં પાંચમા તબક્કાના મતદાન પહેલા દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય વાતાવરણ પણ ગરમ થઈ રહ્યું છે. શનિવારે, પોલીસે થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર અને મારપીટની ઘટનામાં આરોપી બિભવ કુમારની ધરપકડ કરી છે. સ્વાતિ માલીવાલ સાથે મારપીટની ઘટના ૧૩ મેના રોજ બની હતી. અહીં જોઈએ અત્યાર સુધી શું શુ થયું.
સ્વાતિ માલીવાલ કેસ – અત્યાર સુધી શું શું થયું?
- આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાની ઘટના સોમવાર ૧૩ મે ૨૦૨૪ના રોજ સવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને બની હતી. આ ઘટના બાદ સ્વાતિ માલીવાલ ૧૩ મેના રોજ સવારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ કરી કે, અરવિંદ કેજરીવાલના પીએ દ્વારા તેણી પર હુમલો કરવામાં આવ્યો છે.
- ૧૪ મેના રોજ, જ્યારે આ ઘટનાને લઈને હોબાળો થયો, ત્યારે પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય સિંહે મીડિયાને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીના ખાનગી સચિવ વિભવ કુમારે માલીવાલ સાથે ખરાબ વર્તન કર્યું છે. પાર્ટી સુપ્રીમો કેજરીવાલ વિભવ કુમાર સામે કડક કાર્યવાહી કરશે.
- બુધવારે, ૧૫ મેના રોજ, સાંસદ સંજય સિંહ સ્વાતિ માલીવાલના ઘરે પહોંચ્યા અને તેમને મળ્યા. દિલ્હી મહિલા આયોગના સભ્ય વંદના પણ તેમની સાથે હતા.
- સ્વાતિ માલીવાલ ૧૬ મે, ગુરુવારે આ ઘટના પછી ત્રણ દિવસ સુધી ચૂપ જ રહ્યા. દિલ્હી પોલીસની બે સભ્યોની ટીમ તેમના ઘરે પહોંચી અને તેમનું નિવેદન નોંધ્યું.
- ગુરુવારે, ૧૬ મેના રોજ, સ્વાતિ માલીવાલે જાહેરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના પર થયેલા હુમલાની વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે, તેણે પોલીસને પોતાનું નિવેદન આપ્યું છે.
- આ પછી ભાજપ સહિત અનેક સંગઠનોએ આમ આદમી પાર્ટીના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમનો આરોપ છે કે, અરવિંદ કેજરીવાલે ન તો આ અંગે કોઈ નિવેદન આપ્યું અને ન તો આ ઘટનામાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવાનો કોઈ સંકેત આપ્યો.
- એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સીએમના મૌનથી સ્પષ્ટ થાય છે કે, પીએ ને આ મામલે સંપૂર્ણ સમર્થન છે. જેના કારણે લોકોનો રોષ વધ્યો હતો. સીએમના આવાસ પર મહિલા સાંસદ પર હુમલો કરવા બદલ આમ આદમી પાર્ટીને મહિલા વિરોધી કહેવામાં આવી હતી.
- બીજેપી દિલ્હી યુનિટના મહિલા મોરચાએ ગુરુવારે સ્વાતિ માલીવાલને સમર્થન આપ્યું હતું. મોરચાએ કહ્યું કે, આ ઘટના દેશની મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડનારી છે. આ ઘટના પર ભાજપ ઉપરાંત અન્ય ઘણી મહિલા સંગઠનોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. દિલ્હી મહિલા આયોગે આરોપી બિભવ કુમારને સમન્સ જાહેર કરીને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું.
- શુક્રવાર, ૧૭ મેના રોજ, માલીવાલની ફરિયાદ પર, પોલીસે વિભવ કુમાર વિરુદ્ધ જાણીને હત્યાનો પ્રયાસ, મહિલા વિરુદ્ધ ફોજદારી બળનો ઉપયોગ સહિતની કલમો હેઠળ રિપોર્ટ નોંધ્યો હતો. દિલ્હી પોલીસે તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ સ્વાતિ માલીવાલનું નિવેદન નોંધ્યું હતું. આ પછી પોલીસ તેમને એઈમ્સમાં લઈ ગઈ અને તેમની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી. મેડિકલ ચાર કલાક ચાલ્યું.
- શુક્રવારે, ૧૭ મેના રોજ, પોલીસે સમગ્ર ઘટનાનું સીન રિએક્ટ કરાવ્યું. આ માટે પોલીસ સ્વાતિ માલીવાલને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે લઈ ગઈ હતી. પોલીસે તપાસ માટે 10 ટીમો બનાવી હતી. ઘટનાના મુખ્ય આરોપી બિભવ કુમારને શોધવા માટે ચાર ટીમો તૈનાત કરવામાં આવી હતી.
- શુક્રવાર, ૧૭ મેના રોજ આમ આદમી પાર્ટીએ આ ઘટનામાં યુ-ટર્ન લીધો અને સ્વાતિ માલીવાલને જવાબદાર ઠેરવ્યા. પાર્ટીના નેતા અને મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, એક વીડિયો સામે આવ્યો છે, જે માલીવાલના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરે છે. એફઆઈઆરમાં તેણે કહ્યું કે, તેની પર હુમલો કરવામાં આવ્યો. પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તેમાં, કઈક અલગ જ છે. તેમણે કહ્યું કે, બિભવ કુમારે પમ સ્વાતી માલીવાલ સામે ફરિયાદ નોંધાવી છે.
- રવિવાર, ૧૭ મેના રોજ સ્વાતિ માલીવાલનો પહેલો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની અંદરના ડ્રોઈંગ રૂમમાં સુરક્ષાકર્મીઓ સાથે દલીલ કરતી સાંભળી શકાય છે. ૫૨ સેકન્ડના વાયરલ વીડિયોમાં સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલના ઘરની અંદર જોઈ શકાય છે. આ દરમિયાન કેટલાક કર્મચારીઓ તેને બહાર જવાનું કહે છે. સીએમ કેજરીવાલના સહયોગી બિભવ કુમાર સાથે તેણીની બોલાચાલી થતી સાંભળવા મળે છે.
- આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નવા વીડિયોમાં સ્વાતિ માલીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર નીકળી રહી છે અને આ દરમિયાન એક મહિલા સુરક્ષા ગાર્ડ પણ તેમને ધક્કો મારતી જોવા મળી રહી છે. આ દરમિયાન સ્વાતિ પણ મહિલા સુરક્ષા ગાર્ડનો હાથ રોકવાનો પ્રયત્ન કરા જોવા મળે છે. મહિલા સુરક્ષાકર્મીઓ તેમને સીએમ આવાસની બહાર લઈ જઈ રહ્યા છે.
- સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારે પણ સ્વાતિ માલીવાલ વિરુદ્ધ દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. તેઓએ ઈમેલ દ્વારા સ્વાતિ માલીવાલ વિશે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં બિભવ કુમારે સ્વાતિ માલીવાલ પર મુખ્યમંત્રી આવાસમાં બળજબરીથી પ્રવેશ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે સીએમના સિક્યોરિટી સાથે ગેરવર્તન કરવાનો અને મુખ્યમંત્રીની સુરક્ષા સામે ખતરો ઉભો કરવાનો આરોપ પણ લગાવ્યો છે. બિભવ કુમારે આ ફરિયાદ ડીસીપી નોર્થ અને એસએચઓ સિવિલ લાઈન્સને મોકલી છે.
- આતિશીની પ્રેસ કોન્ફરન્સ બાદ સ્વાતિ માલીવાલે એક્સ પર પોસ્ટ કરીને આમ આદમી પાર્ટીના વલણની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું, “ગઈકાલે પાર્ટીમાં આવેલી નેતાએ ૨૦ વર્ષ જુની કાર્યકરને બીજેપીની એજન્ટ કહી. બે દિવસ પહેલા પાર્ટીએ તમામ સત્ય સ્વીકારી લીધું હતું અને આજે યુ-ટર્ન લીધો છે.
- તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, “આ ગુંડો પાર્ટીને ધમકી આપી રહ્યો છે કે, જો તેની ધરપકડ કરવામાં આવશે તો તે તમામ રહસ્યો જાહેર કરી દેશે. એટલા માટે તે લખનૌથી દરેક જગ્યાએ એલગ-અલગ આશ્રયસ્થાનોમાં ફરે છે. આજે તેના દબાણથી પાર્ટીએ હાર સ્વીકારી અને એક ગુંડાને બચાવવા માટે આખી પાર્ટીએ મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા છે.
- દિલ્હી સરકારના મંત્રી આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “જ્યારથી સીએમ કેજરીવાલ તિહારમાંથી બહાર આવ્યા છે ત્યારથી ભાજપ ગભરાહટમાં છે. આ કારણોસર ભાજપે કાવતરું ઘડીને સ્વાતિ માલીવાલને વહેલી સવારે મુખ્યમંત્રીના ઘરે મોકલી દીધા. તેનો હેતુ સીએમ કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવાનો હતો. તેમણે કહ્યું કે, સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ભાજપનો ચહેરો હતા.
- સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી બિભવ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ઘણા દિવસોની શોધખોળ બાદ બિભવને પોલીસ પકડીને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જેના કારણે પોલીસે બિભવ કુમાર પર તેની પકડ વધુ કડક કરી હતી.
- આ કેસમાં આરોપી બિભવ કુમારના વકીલોએ મીડિયાને જણાવ્યું કે, પોલીસ તેમને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનની અંદર જવા દેતી નથી. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસે મીડિયાની સામે તેમની સાથે ધક્કા-મુક્કી કરી.
- હવે, આ કેસમાં નવા વીડિયો વાયરલ થયા પછી, દિલ્હી પોલીસ શનિવારે સ્વાતિ માલીવાલ સાથે ફરીથી મુખ્યમંત્રી આવાસ પર પહોંચી અને ગુનાનું દ્રશ્ય બે વાર ફરીથી બનાવવામાં આવ્યું. એફએસએલની ટીમ પણ ત્યાં હાજર હતી. એડિશનલ ડીસીપી નોર્થ પણ સીએમ હાઉસ પહોંચ્યા હતા. સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસની ટીમને કહ્યું ૧૩ મેના રોજ શું થયું હતું? તે ક્યારે અને ક્યાંથી પ્રવેશ્યા અને અંદર કોણ-કોણ હતું?