1960માં બનેલ નહેરૂબ્રિજ ૪૫ દિવસ રહેશે બંધ : રિપેરિંગની કામગીરી 3.25 કરોડના ખર્ચે સેનફીલ ઈન્ડિયા નામની કંપનીને અપાયેલ

શહેરના સૌથી વ્યસ્ત અને મહત્ત્વના નહેરૂબ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી રવિવારથી 45 દિવસ માટે એટલે કે 27 એપ્રિલ સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. નહેરુ બ્રિજની બેરિંગ સહિતની રિપેરિંગ કામગીરી શનિવારથી જ શરૂ થઈ ગઈ છે. મ્યુનિ.એ 3.25 કરોડના ખર્ચે સેનફીલ ઈન્ડિયા નામની કંપનીને રિપેરિંગનું કામ સોંપ્યું છે. 1960માં બનેલા 442.34 મીટર લાંબા અને 22.80 મીટર પહોળા બ્રિજનું પહેલીવાર મોટાપાયે રિપેરિંગ થઈ રહ્યું છે.
બ્રિજના 7 સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરિંગને બદલવી પડે તેમ હોવાથી 126 અલાસ્ટોમેરિક બેરિંગથી તેને રિપ્લેશ કરાશે. આ ઉપરાંત 320 મીટર લાંબા એક્સપાન્શન જોઇન્ટના રિપ્લેસમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
નહેરુ બ્રિજ પરથી રોજના સરેરાશ દોઢ લાખ વાહન પસાર થતા હોય છે. વિકલ્પ તરીકે એલિસબ્રિજનો ઉપયોગ કરવાનું મ્યુનિ.અે આયોજન કર્યું છે. આમ એલિસબ્રિજ પરથી રોજના સરેરાશ 75 હજાર વાહન પસાર થાય છે ત્યારે તેના પર બીજા અંદાજે 1 લાખ વાહનનું ભારણ વધવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ શકે છે.
આ રોડ પર ભારે ટ્રાફિકજામની શક્યતા
1. નહેરુ બ્રિજ બંધ થતાં એએમટીએસ સહિત અન્ય વાહન એલિસબ્રિજથી જશે જેના કારણે વિક્ટોરિયા ગાર્ડન, ટાઉનહોલ પાસે ટ્રાફિકજામ થશે.
2. એલિસ બ્રિજના આશ્રમ રોડ તરફના છેડે વી.એસ. હોસ્પિટલ તરફ હાલ ડ્રેનેજના કામ માટે ખોદકામથી અડધો રસ્તો બંધ છે. એવામાં નહેરુ બ્રિજ બંધ થતાં અહીં પણ ટ્રાફિક પરનું ભારણ વધી જશે.
3. એક તરફ ગુજરાત કોલેજના સર્પાકાર બ્રિજ તરફથી આવતો ટ્રાફિક અને આશ્રમ રોડ તરફનો ટ્રાફિક બંને સાથે મળતાં એલિસ બ્રિજના છેડે ટ્રાફિકનું ભારણ એકદમ વધી જશે. જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે. અગાઉ સુભાષબ્રિજ બંધ કરાતા આરટીઓ સર્કલ ટ્રાફિક જામ થયો હતો.
4. દિવાળી પહેલા પણ મ્યુનિ. દ્વારા આ બ્રિજ પર તાત્કાલિક કરવી પડે તેવી કામગીરી માટે 7 દિવસ વાહન વ્યવહાર અટકાવ્યો હતો. જે સમયે 12 જેટલા પિલ્લરની રોકર-રોલરના બેરિંગની એટલે કે 144 જેટલા બેરિંગની ક્લિનિંગ-ગ્રિસીંગ કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *