અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવેલા ચાર આતંકવાદીઓની પ્રાથમિક પુછપરછ અને તપાસ બાદ ગુજરાત એટીએસ એ કર્યા મોટા ખુલાસા.

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ આ મામલે અનેક મોટા ખુલાસા કર્યા છે. ચારે આતંકવાદીઓ આતંકવાદી હુમલાના ઈરાદા સાથે ગુજરાત આવ્યા હતા, તેઓ પાકિસ્તાન આતંકવાદી સંગઠન આઈએસ સાથે સંકળાયેલા છે. તેઓ મૂળ શ્રીલંકાના નાગરિક છે, તેમને હુમલા માટે હથિયાર પણ પાકિસ્તાની હેન્ડલર પહોંચાડવાના હતા, અને તેઓ જેહાદ માટે સુસાઈડ બોમ્બર બની શહીદ થવાના ઈરાદા સાથે આવ્યા હતા. તો જોઈએ એટીએસે કરેલા તમામ ખુલાસાની માહિતી.
એટીએસે કેવી રીતે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપ્યા?
ગુજરત એટીએસ પ્રેસ રિલીઝમાં જણાવ્યા અનુસાર, નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને ૧૮ મે ૨૦૨૪ ના રોજ બાતમી મળી હતી કે, ચાર વ્યક્તિઓ (૧) મોહમ્મદ નુસરથ (૨૦ મોહમ્મદ નફરાન (૩) મોહમ્મદ ફારિસ અને (૪) મોહમ્મદ રસદીન જેઓ શ્રીલંકાના રહેવાસી છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)ના સક્રિય સભ્યો છે, જેઓ ભારતમાં આતંકવાદી કૃત્યને અંજામ આપવા ૧૮ કે ૧૯ મેના રોજ શ્રીલંકાથી ચેન્નાઈ અને ચેન્નાઈથી અમદાવાદ આવવાના છે.

એટીએસ દ્વારા જણાવ્યા અનુસાર, આ બાતમી મળતા જ ગુજરાતની અમારી ટીમ દ્વારા ફ્લાઈટ્સ તથા ટ્રેઈન્સના બુકિંગ મેનિફેસ્ટો સહિતની તમામ માહિતી એકત્ર કરવાનું શરૂ કરી દીધુ હતુ, જેની તપાસમાં માલુમ થયું કે, શ્રીલંકાના ચાર નાગરીકો છે જેમની ટિકિટ એક જ પીએનઆર નંબર પર બુક કરવામાં આવી છે, અને તેમણે શ્રીલંકાના કોલંબોથી ચેન્નાઈ અને ચેન્નાઈથી અમદાવાદની ફ્લાઈટ બુક કરાવી છે. અને ૧૯ મેના રોજ કોલંબોથી ચેન્નાઈ અને ચેન્નાઈથી અમદાવાદ ૧૯ મેના રોજ રાત્રે ૮.૧૦ કલાકે લેન્ડ થશે.
ગુજરાત એટીએસની ટીમ એલર્ટ થઈ ગઈ અને આતંકવાદીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા, એરપોર્ટ પર જેવા ચારે આતંકવાદી આવ્યા તુરંત એટીએસની ટીમે તેમની ઝડપી લીધા અને તેમની અટકાયત કરી પુછપરછ શરૂ કરી.
આતંકવાદીઓ પાસેથી શું શુ મળ્યું?
ગુજરાત એટીએસ દ્વારા ચારે આતંકવાદીઓની અટકાયત બાદ તેમના સામાનની તપાસ કરતા (૧) મોહમ્મદ નુશરથ પાસેથી એક મોબાઈલ મળ્યો જેમાં તે પ્રતિબંધીત આતંકવાદી સંગઠન આઈએસ સાથે જોડાયેલો છે, સાથે અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલી યહુદીઓ, ખ્રીસ્તી, તથા બીજેપી અને આરએસના સભ્યોને પાઠ ભણાવવા સહિત મુસ્લિમ સમાજ પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવાનો ઈરાદો ધરાવતા પુરાવા મળ્યા હતા.

ગુજરાત એટીએસ અનુસાર, આતંકવાદીઓ પાસેની પ્રોટન ડ્રાઈવ (એન્ક્રિપ્ટેડ ક્લાઉડ સુરક્ષિત સ્ટોરેજ, જે કોઈ એક્સેસ ન કરી શકે) ની તપાસ કરતા તેમાંથી 5 ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા,
૧. પાણીની કેનાલ,
૨. મોટા પથ્થપો નીચે બખોલમાં છુપાવેલ ગુલાબી રંગનું પાર્સલ,
૩. બ્રાઉન કલરની સેલોટેપવાળુ ગુલાબી રંગનું પાર્સલ,
૪. ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખેલુ લખાણ અને આજુ-બાજુ ગોઠવેલ ત્રણ પિસ્તોલ તથા ત્રણ લોડેડ મેગઝીન હોવાનું જણાઈ આવ્યું.
વધુ તપાસ કરતા આતંકીઓ પાસેના પ્રોટોન સેલ્ફ ઈ મેઈલમાં કેટલીક જગ્યાએ GEO Co-Ordinates પણ લખેલુ હતુ.
અબુના ઈશારા બાદ હુમલાનો હતો પ્લાન?
ગુજરાત એટીએસની પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર, ટ્રાન્સલેટર સાથે રાખી કડક રીતે પુછતાછ કરતા જાણવા મળ્યું કે, તેઓ આઈએસના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીયો છે, તેમજ તેમનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. તેમણે કબુલ્યું કે, અબુએ તેમને હથિયારોના ફોટા તથા જે જગ્યાએ હથિયારો છુપાવ્યા છે, તેના ફોટા અને લોકેશન પ્રોટોન ડ્રાઈવ અને પ્રોટોન મેઈલમાં શેર કરશે, ત્યારબાદ તેમને જણાવશે કે આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ પર કરવાનો છે.
ગુજરાત એટીએસને લોકેશનની તપાસ કરતા મળ્યા હથિયાર
ગુજરાત એટીએસએ એક ટીમ બનાવી લોકેશન GEO Co-Ordinates નુ સર્ચ ઓપરેશન હાથ ધરતા ફોટામાં દર્શાવ્યા મુજબનું એક ગુલાબી રંગનું પાર્સલ મળ્યું જેમાં ૩ પિસ્તોલ, ૧ કાળા કલરનો ફ્લેગ મળી આવ્યો હતો. એટીએસ દ્વારા તપાસ કરતા જોયું કે, પિસ્તો પર સિરિયલ નંબર ઈરાદાપૂર્વક ભૂસી દેવામાં આવેલો હતો. ગુજરાત એટીએસ અનુસાર, મળી આવેલ ૨ પીસ્તોલમાં એટેચ કરેલ મેગઝીનમાં ૭-૭ રાઉન્ડ્સ તથા ૧ પીસ્તલમાં એટેચ કરેલ મેગઝીનમાં ૬ રાઉન્ડ્સ એમ કૂલ ૨૦ રાઉન્ડ્સ રીકવર કરવામાં આવ્યા છે.
ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે, તમામ રાઉન્ડ્સ પર FATA લખેલુ છે, અને પ્રાથમિક દ્રષ્ટીએ આત્રણે પિસ્તોલ Norinco type૫૪ મોડલની અને એમ્યુનેશન પાકિસ્તાનના પૂર્વ federally Administered Tribal Areas (FATA) માં બનાવેલી હોવાનું જાણવા મળે છે. તો સર્ચમાં મળી આવેલ ફ્લેગ પ્રતિબંધીત ઈસ્લામિક સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) નો હોવાનું જણાઈ આવે છે.

ચારે આતંકી પહેલા NTJ ના સભ્ય હતા, ૨૦૨૪ માં જ IS ના સભ્ય બન્યા
ગુજરાત એટીએસએ આતંકવાદીઓને લઈ વધુમાં માહિતી આપતા કહ્યું છે કે, પકડાયેલ ચારમાંથી મોહમ્મદ નુસરથ પાકિસ્તાનના વેલિડ વીઝા પણ ધરાવે છે. તથા તેમના મોબાઈલ ફોનમાં મળી આવેલા પુરાવાના આધારે પુછપરછ હાથ ધરતા તેઓ પહેલા શ્રીલંકન રેડિકલ મીલીટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (એનટીજે) ના સભ્યો હતા, પરંતુ ૨૦૧૯માં શ્રીલંકન સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ જાહેર થયા બાદ ૨૦૨૪ માં જ પાકિસ્તાની હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા અને આઈએસના સભ્ય બન્યા હતા.
ભારતમાં આતંકવાદી કૃત્ય માટે ૪ લાખ શ્રીલંકન કરન્સી મળી
ગુજરાત એટીએસ દ્વારા જણાવેલ માહિતી અનુસાર, પાકિસ્તાની હેડલરના કહેવાથી જ અમદાવાદ આવ્યા હતા, અને આ કામ માટે તેમને અબુએ ૪ લાખ શ્રીલંકન કરન્સી આપી હતી, તથા અબુના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી કૃત્યને અંજામ આપવાના હતા.
જેહાદની રાહમાં શહીદ થવાની પણ હતી તૈયારી
ગુજરાત એટીએસ અનુસાર, ચારે આતંકવાદી આઈએસના સભ્ય બન્યા તે સાથે જ તેમણે પાકિસ્તાની હેન્ડલર સામે જેહાદની રાહમાં સુસાઈડ બોમ્બર બની શહીદ થવાની પણ તૈયારી બતાવી હતી, અને ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાના ઈરાદા સાથે આવ્યા હતા.
ગુજરાત એટીએસએ મોબાઈલ તપાસ, સર્ચ ઓપરેશનમાં મળેલ હથિયારો સહિતના પુરાવાના આધારે ચારેય શ્રીલંકન નાગરિક વિરુદ્ધ અનલોકુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ ની કલમ ૧૮ તથા ૩૮, આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી) (એ)(એફ) તેમજ IPC કલમ ૧૨૦ (બી), ૧૨૧(એ) હેઠળ ગુનો નોંધ્યો છે. આ સિવાય હવે હથિયાર કોણે છૂપાવ્યા, તેઓ ભારતમાં કોનો સંપર્ક કરવાના હતા સહિતની વધુ વિગતો મેળવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.