નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ ચૂંટાયા છે. દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્ત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી, તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. નોંધનીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. મોહન કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.
દિલ્હી ખાતે નાફેડના ચેરમેન પદ માટે મતદાન યોજાયું હતું. જેમાં ગુજરાતના બે સહિત કુલ ૨૧ ડિરેક્ટરોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.અગાઉ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
ઇફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ થઈ હતી
ઇફ્કોના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ માટે ૨૧ ડિરેક્ટરોની બોર્ડ મિટિંગમાં દિલીપ સંઘાણીની ચેરમેન તરીકે બીજી વખત નિયુક્તિ કરાઈ હતી. તો ઇફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે બે ટર્મથી જયેશ રાદડિયાની જીત થઈ હતી. જણાવી દઈએ કે, આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બિપીન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો.
ઇફ્કોમાં ડિરેક્ટર પદ પર જયેશ રાદડિયાની જીત થઈ હતી
ઇફ્કોમાં ડિરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. કુલ ૧૮૨ મતદારો હતા, જેમાંથી ૧૮૦ મતદારોએ મતદાન કર્યું હતું. જયેશ રાદડિયાને ૧૧૪ મત અને બિપિન પટેલને ૬૬ મત મળ્યા હતા.