પૂણે પોર્શ કાર અકસ્માત મામલામાં પોલીસ કમિશ્નરે દાવો કર્યો છે કે, સગીર આરોપી હોશમાં જ હતો, પોલીસ પૂરાવા એકત્રિત કરી રહી છે. આરોપીના પિતાની અટકાયત કરવામાં આવી છે, તેણે જે બારમાં દારૂ પીધો હતો, તેના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.

હાલ પુણે અકસ્માત કેસમાં પોલીસ તપાસ તેજ કરી છે. હાલમાં, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે સગીર આરોપીને ૫ જૂન સુધી નિરીક્ષણ હેઠળ મોકલી દીધો છે, જ્યારે બીજી તરફ, પોલીસ પણ ધીમે ધીમે આ કેસમાં પુરાવા એકત્રિત કરી રહી છે. આરોપીના પિતાની અટકાયત કરવામાં આવી છે, તેણે જે બારમાં દારૂ પીધો હતો, તેના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.
પૂણે પોર્શ અકસ્માત – પોલીસ પર કેવા આક્ષેપો થઈ રહ્યા છે?
પરંતુ હજુ પણ આ સમયે પોલીસ સગીર આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક તપાસ સમયે, સગીર આરોપીએ દારૂ પીધો હતો કે નહીં તે પણ સ્વીકારવામાં આવ્યું ન હતું. પરંતુ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે બેફામપણે કહ્યું છે કે, તે લોકો માટે તપાસમાં બ્લડ રિપોર્ટથી કોઈ ફરક પડતો નથી. પોલીસ કમિશ્નરે કહ્યું કે, આરોપી સંપૂર્ણ હોશમાં હતો, તેને ખબર હતી કે, જો તે દારૂ પીને ગાડી ચલાવશે તો અકસ્માતમાં કોઈનું મોત પણ થઈ શકે છે. તેમણે ફરી એક વખત પોતાની વાતનો પુનરોચ્ચાર કર્યો છે અને કહ્યું છે કે, આ કેસમાં કડક કાર્યવાહી માટે તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
વિવાદ કયા પહેલુ વિશે છે?
જો કે આ કેસમાં સગીર આરોપીને શરૂઆતમાં કયા આધારે જામીન અપાયા તે પણ વિવાદનો વિષય બન્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, આરોપીએ ૩૦૦ શબ્દોનો નિબંધ લખવો પડશે. આ પ્રકારના નિર્ણયને લઈને દેશભરમાં આક્રોશ હતો અને પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ ૧૫ કલાક બાદ એક તરફ આરોપીને 5 જૂન સુધી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ મોકલી દેવામાં આવ્યો હતો, ત્યારે તે જ પોલીસ હવે કડક કાર્યવાહી કરવાની વાત કરી રહી છે.
પોલીસ હવે કહી રહી છે કે, તેઓ આરોપીને સગીર ના બદલે પુખ્ત ગણીને તપાસ હાથ ધરવા અપીલ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોર્ટ દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે, આ સમગ્ર કેસમાં એક વિવાદાસ્પદ પાસું એ છે કે, સ્થાનિક ધારાસભ્યએ આરોપી સગીરને મદદ કરી અને પોલીસ પર દબાણ પણ બનાવ્યું.
સ્થાનિક ધારાસભ્ય અને દબાણનું રાજકારણ
આ સ્થાનિક ધારાસભ્યનું નામ સુનીલ ટિંગ્રે છે, જે અજીત જૂથમાંથી આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે, તેઓ સગીર અને તેના પિતાને પહેલાથી જ ઓળખતા હતા અને અકસ્માત પછી તરત જ આરોપીના પિતાએ ધારાસભ્યને ફોન કર્યો હતો. એવું કહેવાય છે કે, ધારાસભ્યએ આરોપી સગીરને પોલીસ સ્ટેશનમાં જ લાવવાની વ્યવસ્થા પણ કરી હતી. હાલ, ધારાસભ્યએ આવા તમામ આરોપોને ફગાવી દીધા છે અને કડક કાર્યવાહીની વાત કરી છે.