ડ્રાઈવરને ફસાવવા માટે ષડ્યંત્ર રચવાનો આરોપ.
પૂણે પોર્શ એક્સિડન્ટ મામલે હવે પોલીસે સગીર છોકરાના દાદા સુરેન્દ્ર અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. આરોપી છોકરાના દાદા પર આરોપ છે કે, તેમણે ડ્રાઈવર ગંગારામને ધમકાવ્યો હતો. આ મામલે હવે પોલીસે ત્રીજી FIR નોંધી છે.
એક અહેવાલ પ્રમાણે પૂણે ક્રાઈમ બ્રાન્ચે સૂરેન્દ્ર અગ્રવાલની ૨૫ મેના રોજ સવારે ૦૩:૦૦ વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તેમના પર આરોપ છે કે તેમણે ડ્રાઈવરને ધમકાવ્યો હતો અને પોલીસને નિવેદન આપવા માટે મજબૂર કર્યો કે અકસ્માત સમયે તેનો સગીર પૌત્ર નહીં પરંતુ તે ગાડી ચલાવી રહ્યો હતો. આ પહેલા સૂરેન્દ્ર અગ્રવાલની તેમના પુત્ર અને પૌત્ર અંગે અકસ્માતના દિવસે તેમની સાથે થયેલી વાતચીત અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
સૂરેન્દ્ર અગ્રવાલનું અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે ‘કનેક્શન’ પણ સામે આવ્યું છે. CBI સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સૂરેન્દ્ર અગ્રવાલ ગેંગસ્ટર છોટા રાજનને પેમેન્ટ કરવા સંબંધિત એક ફાયરિંગ મામલે સુનાવણીનો સામનો કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, પોર્શ ગાડી એ રિયલ્ટી ફર્મના નામ પર રજિસ્ટર છે જેના એક માલિક સુરેન્દ્ર અગ્રવાલ છે.
૧૮ અને ૧૯ મે વચ્ચેની રાત્રે કલ્યાણી નગરમાં પોર્શ કારની ટક્કરમાં બે લોકોના મોત થઈ ગયા હતા. કાર એક ૧૭ વર્ષનો સગીર ચલાવી રહ્યો હતો. જોકે, ધરપકડના થોડા કલાકોમાં જ તેને જામીન મળી ગયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે આ મામલાએ વધુ જોર પકડ્યું ત્યારે પોલીસ સાથે સરકાર પણ એક્શનમાં આવી. સૌથી પહેલા આરોપી છોકરાના પિતાની ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત આરોપીએ જે પબમાં દારૂ પીધો હતો તેના માલિક અને મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આરોપી છોકરાના જામીન પણ રદ કરી દેવામાં આવ્યા છે. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે ૧૭ વર્ષીય સગીરને ૫ જૂન સુધીમાં ચિલ્ડ્રન ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાની ઓળખ અનીશ અવધિયા અને અશ્વિની કોષ્ટા તરીકે થઈ છે.