દેશના અનેક વિસ્તારોમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની રાહતભરી આગાહી અને ૨૭ અને ૩૦ મે માટે હીટ વેવ એલર્ટ જાહેર.

દેશના અનેક વિસ્તારોમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહત કરતી આગાહી કરી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ ઉપરાંત વિદર્ભમાં અલગ-અલગ સ્થળોએ ૨૭ અને ૩૦ મે માટે હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વિસ્તારોમાં ૨૮ અને ૨૯મી મે સુધીમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ૨૮ મે પછી ગરમીનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટવા લાગશે.
રાજસ્થાનના ફલોદીમાં મહત્તમ તાપમાન ૪૯.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. રવિવારે તે દેશનું સૌથી ગરમ સ્થળ હતું. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની ઉપર પહોંચી ગયો હતો. રાજસ્થાનમાં વધતા તાપમાનના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આવી જ સ્થિતિ મધ્યપ્રદેશમાં પણ જોવા મળી હતી. મોરેનામાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જ્યારે ભોપાલ સહિત રાજ્યના ૧૧ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આ વિસ્તારોમાં ૨૮ અને ૨૯મી મે સુધીમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.