પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો છે. આ મામલે ડેરા પ્રમુખ રામ રહીમ સહિત ૫ દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨માં આ હત્યાકાંડ થયો હતો અને પછી સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
ડેરા સચ્ચા સૌદા પ્રમુખ બાબા ગુરમીત રામ રહીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. ડેરાના પૂર્વ મેનેજર રંજીત હત્યાકાંડ મામલે ડેરા પ્રમુખને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો છે. આ મામલામાં ડેરા પ્રમુખ સહિત ૫ ગુનેગારોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આ ૨૨ વર્ષ જૂનો મામલો છે, જેમાં CBI કોર્ટે ૧૯ વર્ષ બાદ ડેરા મુખી રામ રહીમને દોષિત જાહેર કર્યો હતો. રામરહીમ હાલમાં જેલમાં છે અને પત્રકાર હત્યા કેસ અને સાધ્વી બળાત્કાર કેસમાં તેને સજા થઈ છે. ખરેખર, આ ૧૦ જુલાઈ ૨૦૦૨નો મામલો છે. ડેરાની મેનેજમેન્ટ કમિટીના સભ્ય રહેલા કુરુક્ષેત્રના રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ડેરા મેનેજમેન્ટને શંકા હતી કે રણજિત સિંહે સાધ્વીના યૌન શોષણનો અનામી પત્ર પોતાની બહેન પાસેથી લખાવ્યો હતો. પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીત સિંહના પુત્ર જગસીર સિંહે જાન્યુઆરી ૨૦૦૩માં હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જે બાદ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો અને હાલમાં ઓક્ટોબર ૨૦૨૧માં ડેરા મુખી સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ કેસમાં કોર્ટે ૨૦૦૭માં આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. જો કે શરૂઆતમાં આ કેસમાં રામરહીમનું નામ ન હતું, પરંતુ વર્ષ ૨૦૦૩માં સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૦૬માં રામ રહીમના ડ્રાઈવર ખટ્ટા સિંહના નિવેદન પર ડેરા ચીફને આરોપીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો.